Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

ઓનલાઇન બેન્કિંગ વધુ સુરક્ષિત થશેઃ RBIનાં નવાં સિકયોરિટી ફીચર્સ

ઓટીપી ઉપરાંત ફેસ રેકગ્નિશન, આંખની કીકી અને લોકેશનના આધારે ટ્રાન્ઝેકશન થશે

નવી દિલ્હી તા. ર૦: ઓનલાઇન બેન્કિંગ ટ્રાન્ઝેકશનમાં ફ્રોડને રોકવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા હવે તેમાં કેટલાક નવા વધુ ફિચર્સ જડવાની તૈયારીમાં છે. આ અંગે આરબીઆઇને નાણાં મંત્રાલય અને વિવિધ બેન્કો સાથે બેઠક થઇ ગઇ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે ઓનલાઇન બેન્કિંગ ટ્રાન્ઝેકશનમાં ઓટીપી ઉપરાંત ફેસિયલ રેકગ્નિશન અને લોકેશન જેવા સિકયોરિટી ફિચર્સ પણ જોડવામાં આવશે.

હવે જો તમે ઓનલાઇન બેન્કિંગ ટ્રાન્ઝેકશન કરશો તો ઓટીપીની સાથે સાથે તમારે તમારો ચહેરો પણ બતાવવો પડશે અને ટ્રાન્ઝેકશનનું લોકેશન પણ જણાવવું પડશે. હવે માત્ર ઓટીપીના આધારે ઓનલાઇન બેન્કિંગ ટ્રાન્ઝેકશન થઇ શકશે નહીં.

ઓનલાઇન બેન્કિંગ ટ્રાન્ઝેકશન દરમિયાન ઓટીપી ઉપરાંત ફેસિયલ રેકગ્નિશન, આઇરિસ (આંખની કીકી) અને લોકેશન પણ માગવામાં આવશે. અને ત્યારે જ તમારૃં ટ્રાન્ઝેકશન પૂરૃં થશે. અત્યારે ટુ ફેકટર ઓથેન્ટિકેશન (ર એફએ) નો ઉપયોગ થાય છે. ૩-ડી પિન અને અટીપીથી ટ્રાન્ઝેકશન પૂર્ણ થાય છે, પરંતુ હવે નવા સિકયોરિટી ફીચર્સ જોડવામાં આવશે અને ત્યારબાદ જ ઓનલાઇન ટ્રાન્ઝેકશન થઇ શકશે.

અહેવાલો અનુસાર દેશમાં પાઇલટ પ્રોજેકટ તરીકે તેની શરૂઆત બેંગલુરૂ, મુંબઇ અને પુર્ણ જેવાં શહેરોથી થઇ રહી છે. એક વર્ષની ટ્રાયલ બાદ પ્રથમ તબકકામાં દેશના મેટ્રો શહેરોમાં તેની શરૂઆત કરવામાં આવશે. નવી સિસ્ટમ મુજબ સમગ્ર ટેકનિકનું સંપૂર્ણ ફોકસ ઓટીપીના બદલે વ્યકિતના ચહેરા અને આંખની કીકી પર રહેશે. તેના દ્વારા ખાતાધારકના ચહેરાને મોબાઇલ અથવા કમ્પ્યુટરના કેમેરા દ્વારા મેચ કરાશે અને સાથે જ આંખની કીકીને પણ મેચ કરાશે અને ત્યારબાદ જ ઓનલાઇન ટ્રાન્ઝેકશન મંજૂર કરવામાં આવશે.

(3:37 pm IST)