Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

દિલ્હીની સરકારી સ્કૂલોમાં જશે મેલાનિયા ટ્રમ્પ

CM કેજરીવાલ-સિસોદિયા ટુર કરાવશે

નવી દિલ્હી, તા.૨૦: ભારત આવી રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પના સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે. ૨૫ ફેબ્રુઆરીના રોજ મેલાનિયા ટ્રમ્પ દિલ્હીની એક સરકારી સ્કૂલમાં જશે. તેઓ કેજરીવાલ સરકારની સ્કૂલમાં હેપ્પીનેસની કલાસ જોશે. મેલાનિયાનું સ્વાગત મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા કરશે.

આ પહેલો અવસર છે જયારે દિલ્હીની સરકારી સ્કૂલોમાં અમેરિકાની પ્રથમ લેડી વિશેષ મહેમાન બનશે. તેમની આ મુલાકાત માટે સ્કૂલમાં દરેક તૈયારીઓ કરી લેવામાં આવી છે. મેલાનિયા ટ્રમ્પ હેપ્પીનેસ કલાસમાં બાળકો સાથે સમય પસાર કરશે અને જાણશે કે કઈ રીતે સરકારી સ્કૂલોના બાળકોમાં ટેન્શન ઓછું કરવામાં આવે છે.

અમેરિકાના પ્રથમ લેડી લગભગ ૧ કલાક દિલ્હીની સરકારી સ્કૂલમાં પસાર કરશે. ખાસ વાત એ છે કે, જયારે ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે મુલાકાત ચાલી રહી હશે તે સમયે મેલાનિયા કેજરીવાલ સરકારની સ્કૂલની મુલાકાત લેશે. તે બપોરે ૧૨ વાગ્યે સ્કૂલની મુલાકાત લેશે.

દિલ્હીની કેજરીવાલ સરકારે ૨૦૧૮માં હેપ્પીનેસ કલાસની શરૂઆત કરી હતી. આ કલાસ નર્સરીથી ૮માં ધોરણના વિદ્યાર્થીઓ માટે હોય છે. તેનો હેતુ બાળકોના માનસિક તાણ અને અવસાદને દૂર કરવાનો હતો. આ કલાસમાં કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવતી નથી. માટે બાળકોના હેપ્પીનેસ ઈન્ડેક્ષનું મૂલ્યાંકન કરવામાં આવશે.

જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ ૨૪ ફેબ્રુઆરીના રોજ અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે, જયાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી પોતે તેમની આગેવાની કરશે. ત્યાંથી ૭ કિમીનો રોડ શો કરતા પ્રધાનમંત્રી મોદી અને ટ્રમ્પ સાબરમતી આશ્રમ પહોંચશે. તે દરમિયાન રસ્તાના કિનારે ૫૦ હજાર લોકો મોદી-ટ્રમ્પનો વિશાળ રોડ શો જોશે.

(3:29 pm IST)