Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

દિલ્હીની ચુંટણી હારવા બદલ સંઘે ભાજપની ઝાટકણી કાઢી

ચુંટણી રણનીતી ઉપર સવાલ ઉઠાવ્યાઃ ન તો ચહેરો ઉતાર્યો, ન લોકલ મુદ્દા ઉઠાવ્યાઃ શાહીનબાગ મામલે ભુલ કરી

નવી દિલ્હી, તા., ર૦: રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ભાજપના કારમા પરાજય અને પક્ષની ચુંટણી રણનીતી પર હવે આરએસએસએ સવાલ ઉઠાવ્યા છે. ભાજપને દિલ્હીમાં ભુંડી હારનો સામનો કરવો પડયો હતો અને પક્ષને માત્ર ૭૦ માંથી ૮ બેઠકો મળી છે.

સંઘના મુખપત્ર ઓર્ગેનાઇઝરમાં છપાયેલા એક લેખ અનુસાર દિલ્હી એક નાનુ શહેર છે, ચુંટણી પ્રચાર દરમ્યાન ભાજપે દિલ્હીમાં એક ચહેરો ઉતારવાની જરૂર હતી. સ્થાનીક મુદ્દાને પણ ઉઠાવવો જોઇતો હતો. આની સામે વિપક્ષ પાસે એક મજબુત વોટબેંક સાથે ચુંટણીમાં એક ચહેરો પણ હતો. બીજી તરફ ભાજપ પોતાના કેન્દ્રીય નેતૃત્વના સહારે ચુંટણી જીતવા માંગતું હતું. જે તેની સૌથી મોટી નબળાઇ છે.

આ લેખમાં ભાજપના ચુંટણી પ્રચાર અભિયાનના ટાઇમ ટેબલ ઉપર પણ સવાલ ઉઠાવાયા છે. તેમાં જણાવાયું છે કે પક્ષે ચુંટણીના થોડા દિવસો પહેલા જ પ્રચાર શરૂ કર્યો જયારે કેજરીવાલે એક વર્ષ પહેલા ચુંટણી પ્રચાર લોન્ચ કરી દીધો હતો. આ સિવાય ભાજપે સીએએ જેવા મુદા પર એક અભિયાન ચલાવવાની જરૂર હતી. લેખ જણાવે છે કે એ સ્પષ્ટ છે કે દિલ્હીના લોકો લોકસભાની ચુંટણી અને વિધાનસભાની ચુંટણીમાં અલગ-અલગ મુદા પર મતદાન કરે છે. ચુંટણી પરીણામે આ ફરી સાબીત કર્યુ છે. સર્વે અનુસાર દિલ્હીના લોકો સીએએનું સમર્થન કરે છે પણ આ જનતાને ચુંટણીમાં આપ ઉપર ભરોસો હતો. એક પણ ભાજપ ટેકેદાર આની સાથે સંમત નહિ થાય પણ વાસ્તવિકતા આ છે.

લેખમાં જણાવાયું છે કે દિલ્હી ચુંટણીમાં શાહીનબાગ, રોડ બ્લોક મુદ્દો વિહિન રહયો. ભાજપ માટે આ આશ્ચર્યની વાત હોઇ શકે છે. પ્રચારમાં અમીત શાહે શાહીનબાગનો મુદ્દો ઉઠાવ્યો હતો. પણ તેમનું મુલ્યાંકન ખોટુ નિકળ્યું. આ ઉપરાંત ભાજપના અમુક નેતાઓએ માહોલ ખરાબ થાય તેવા નિવેદનો આપ્યા હતા.

(3:27 pm IST)