Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

CAA પર પાકિસ્તાનમાં UN પ્રમુખનું નિવેદન : કહ્યું --આ કાયદાથી નાગરિકતા છીનવાઈ શકે છે

એન્ટોનિયો ગુટેરેસએ અફઘાન શરણાર્થીઓ સાથે તેમણે મુલાકાત કરી હતી

નવી દિલ્હી : પાકિસ્તાનના પ્રવાસે ગયેલા સંયુક્ત રાષ્ટ્ર સંઘના પ્રમુખે ભારતમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈ ચિંતા વ્યક્ત કરી છે. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં કલમ 370 નાબુદ કર્યા બાદ સંયુક્ત રાષ્ટ્ર હાઈ કમિશનની રિપોર્ટને ગંભીરતાથી લેવામાં આવવી જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર સંઘના પ્રમુખ બન્યા બાદ એન્ટોનિયો ગુટેરેસ હાલ પાકિસ્તાનની મુલાકાતે પહેલી વખત પહોંચ્યા છે. જ્યાં અફઘાન શરણાર્થીઓ સાથે તેમણે મુલાકાત કરી હતી.

 

એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેમણે ભારતમાં નાગરિકતા સંબંધિત કાયદા વિશે જણાવ્યું કે, ખરેખર હું તેનાથી ચિંતિત છું. કારણ કે આ એક એવું ક્ષેત્ર છે, જ્યાં સંયુક્ત રાષ્ટ્ર સક્રિય છે. તેમણે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી ઉચ્ચાયુક્ત નાગરિકતા સંબંધિત ઘણી ખરી સમસ્યાઓને લઈ સક્રિય છે. આ પ્રકારના કાયદા બનવાના કારણે રાજ્યવિહિન થવાનો ભય પેદા થાય છે. જેથી જરૂરી છે કે જ્યારે કોઈ નવો કાયદો બનાવવામાં આવે તો એ વિશે સુનિશ્ચત કરવામાં આવે કે જેથી રાજ્યવિહિન થવાનો ભય પેદા ન થાય. જો કોઈ ખૂદને દસ્તાવેજના આધાર પર નાગરિક કહી રહ્યો હોય તો એવું ન થવું જોઈએ કે તેની પાસેથી તેનો મૂળભૂત અધિકાર આંચકી લેવામાં આવે.

સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખે જમ્મુ કાશ્મીરમાં જાહેર કરવામાં આવેલ વર્તમાન સ્થિતિ પર પોતાનું મંતવ્ય રાખ્યું છે. તેમણે કહ્યું કે, કાશ્મીર પર સંયુક્ત રાષ્ટ્ર હાઈ કમિશનની બે રિપોર્ટથી કાશ્મીરની વર્તમાન સ્થિતિ વિશે જાણકારી મળી. જેથી જરૂરી છે કે કાશ્મીરની રિપોર્ટને ગંભીરતાથી લેવામાં આવે. આ પહેલા રવિવારે ઈસ્લામાબાદમાં યૂએન પ્રમુખે કહ્યું હતું કે, કાશ્મીરની સ્થિતિથી તેઓ ચિંતિત છે અને કાશ્મીરની દીર્ધકાલીન સમસ્યાને પૂર્ણ કરવા માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા નિભાવવા પણ તૈયાર છે.

(11:49 am IST)