Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

જીએસટીઆર ૧ અને ઇવેબિલમાં વિસંગતતા હશે તો નોટિસ મળશે

મુંબઇ, તા.૨૦: જીએસટીઆર ૧ અને ઇવે બિલમાં રજૂ કરાયેલા માલની વિગતોમાં વિસંગતતા હોય એવા કિસ્સામાં નોટિસ આપવાની શરૂઆત કરાતાં  વેપારીઓના માથે વધુ એક મુસીબત આવી છે.

જીએસટીમાં વેપારી દ્વારા રજૂ કરવામાં આવતા તમામ ડેટાને હવે એકબીજા સાથે સાંકળી લેવાની કાર્યવાહી પૂરી કરી દેવામાં આવી છે, તેના કારણે વેપારી દ્વારા મહિનાના અંતમાં જયારે રિટર્ન ભરવાની કામગીરી કરે ત્યારે તેઓને ઓટો પોપ્યુલેટેડ ડેટા જ રિટર્નમાં સરળતાથી મળી જાય છે, પરંતુ કેટલાક વેપારીઓ દ્વારા ઇવેબિલ બનાવ્યા બાદ તેમાં ભૂલ હોય તો ઇવેબિલને ૨૪ કલાકમાં રદ કર્યા વિના જ બીજંુ ઇવેબિલ બનાવી દેતા હોય છે, જેથી વેપારી જયારે જીએસટીઆર ૧નું રિટર્ન ભરે ત્યારે એક જ માલના બે ઇવેબિલ સિસ્ટમમાં દર્શાવવામાં આવતા હોય છે. તેના કારણે હવે વેપારીઓને નોટિસ ફટકારીને તેનો ખુલાસો પૂછવામાં આવી રહ્યો છે.

આ અંગે ટેકસ કન્સલટન્ટ પ્રશાંત શાહે જણાવ્યંુ હતું કે જીએસટી લાગુ થયા બાદ અત્યાર સુધી આવી નોટિસ આપવામાં આવતી નહોતી, પરંતુ છેલ્લા થોડા સમયથી જીએસટીઆર ૧ અને ઇવિબિલ બનાવવામાં ખામી રહી ગઇ હોય તો પણ નોટિસ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત વેપારીને ખ્યાલ આવે કે ઇવેબિલ બનાવવામાં ભૂલ રહી ગઇ હોવાના કારણે પહેલા બનાવેલંુ ઇવેબિલ રદ કર્યા વિના જ બીજું ઇવેબિલ બનાવે તેવા કિસ્સામાં પણ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી રહી છે, જેથી વેપારીએ ઇવેબિલ બનાવતા પહેલા જીએસટીઆર ૧માં આપેલા ડેટાની ચોકસાઇ કર્યા બાદ જ ઇવેબિલ બનાવે તો નોટિસમાંથી બચી શકાય તેમ છે.

(11:38 am IST)