Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

IRCTCના શેરનો નવો રેકોર્ડ, ઈશ્યૂ પ્રાઈઝ કરતા ૫૭૦% વધી ગયો ભાવ

રોકાણકારોને આ શેર ૧૦ ટકા ડિસ્કાઉન્ટ સાથે ૩૧૦ રૂપિયાના ભાવે આપવામાં આવ્યો હતો

મુંબઈ, તા.૨૦: IRCTCનો શેર કાલે બીએસઈ પર ૧૧.૬૭ ટકા વધીને ૧૮૩૦.૬૫ અને એનએસઈ પર ૧૪.૦૬ ટકા વધીને ૧૮૬૯.૦૦ રૂપિયા પર બંધ રહ્યો. બીએસઈ પર તે દિવસ દરમિયાન તેના ૫૩ સપ્તાહના હાઈ ૧૮૭૨.૭૦ રૂપિયાને સ્પર્શીને દિવસના અંતે ૧૮૩૦.૬૫ પર બંધ રહ્યો હતો.

IRCTCના શેરમાં આજે નોંધાયેલા આ વધારાએ નવો રેકોર્ડ બનાવ્યો છે. તેના શેરના ભાવમાં ઈશ્યૂ પ્રાઈઝ ૩૨૦ની સરખામણીએ ૫૭૨ ટકાનો વધારો થયો છે. રોકાણકારોને આ શેર ૧૦ ટકા ડિસ્કાઉન્ટ સાથે ૩૧૦ રૂપિયાના ભાવે આપવામાં આવ્યો હતો.

૧૪ ઓકટોબર, ૨૦૧૯એ બીએસઈ પર તેનું લિસ્ટિંગ ૬૪૪ રૂપિયા અને એનએસઈ પર ૬૨૬ રૂપિયા પર શેર થયું હતું. તેના કારણે તે હાલના દિવસોનો સૌથી સફળ આઈપીઓ બની ગયો છે.

છેલ્લા દોઢ મહિનામાં જ IRCTCના શેરના ભાવ ડબલ થઈ ગયા છે. ૩૧મી ડિસેમ્બર, ૨૦૧૯એ આ શેર બીએસઈ પર ૯૩૩.૪૫ પર બંધ થયો હતો. જે લગભગ દોઢ મહિનામાં આજે ૧,૮૭૨.૭૦ના ૫૨ સપ્તાહના હાઈને સ્પર્શીને દિવસના અંતે ૧,૮૩૦.૬૫ પર બંધ રહ્યો હતો. IRCTCના શેર છેલ્લા એક મહિનામાં ૭૯.૧૮ ટકા અને છેલ્લા એક સપ્તાહમાં ૨૯.૦૧ ટકા વધ્યો છે.

બજારના સૂત્રોના કહેવા મુજબ, આ શેરને ૧ જાન્યુઆરીથી મિડ-કેપમાં સ્થાન મળ્યું તેની હકારાત્મક અસર પડી છે. આ શેરમાં બજેટ પહેલા જ ઉછાળો જોવા મળ્યો હતો અને બજેટમાં તેજસ જેવી બીજી ટ્રેનો નજીકના ભવિષ્યમાં શરૂ કરવાની વાત નાણામંત્રી નિર્મલા સીતારમને કરી હતી, જેના પગલે બજેટ પછી પણ તેના ભાવ વધવાના શરૂ ચાલુ રહ્યા છે. આ ઉપરાંત કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ તેને અનૈતિક માર્કેટ પ્રેકિટસના આરોપોમાં કલીન ચિટ આપ્યાની પણ અસર પડી છે.

ગત ૧૨ ફેબ્રુઆરીએ ત્ય્ઘ્વ્ઘ્ના પરિણામો જાહેર કરાયા હતા, જે મુજબ ડિસેમ્બરમાં પૂરા થયેલા કવાર્ટરમાં તેનો નફો ૧૭૯ ટકા વધીને ૨૦૫.૮૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.

(11:19 am IST)