Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

ડીઓપીટીએ બહાર પાડ્યા આદેશો

હંગામી કર્મચારીઓને પણ સરખું વેતનઃ કાયમી કર્મચારી કરતા વધારે કલાક કામ ન કરાવી શકાય

નવી દિલ્હી,તા.૨૦: કેન્દ્ર સરકારે કહ્યું છે કે બધા મંત્રાલય અને વિભાગો હંગામી કર્મચારીઓની નિમણૂકમાં માપદંડોનું પાલન નથી કરી રહ્યા. સરકારે પહેલાથી નક્કી કરાયેલા માપદંડનો નિમણૂક વખતે સતર્કતાપૂર્વક પાલન કરવાનું કહ્યું છે.ડીપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનીગ (ડીઓપીટી) દ્વારા નવા દિશા નિર્દેશો અને આદેશ બહાર પાડ્યા છે. સુત્રો અનુસાર આ બાબતે ઘણી ફરિયાદો મળ્યા પછી આ આદેશ અપાયા છે. આ બાબતે ઘણા કેસો બદાલતો સુધી પહોંચી રહ્યા છે. જેના કારણે ઘણા કેસોમાં સરકારની ફજેતી પણ થાય છે. ડીઓપીટીએ કહ્યું છે કે જે લોકો માપદંડોનું પાલન નહીં કરે તેમના વિરૂધ્ધ કડક ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે. ડીઓપીટી કામો માટે હંગામી કર્મચારીઓને ન લગાડવામાં આવે. એમ પણ કહેવામાં આવ્યું છે કે હંગામી કર્મચારીઓને સરકારી મેન્યુઅલ મુજબ આઠ કલાકથી વધારે કામ ન કરાવવામાં આવે.

તેમને એ જ પદ કામ કરતા કાયમી કર્મચારીઓ જેટલુ જ વેતન અને બીજી બધી સુવિધાઓ મળશે. સાથે જ ૬ દિવસ સુધી સતત કામ કર્યા પછી એક દિવસની રજા અપાશે. જ્યાં પાંચ દિવસનું અઠવાડીયું હોય છે. ત્યાં આવા કર્મચારીઓને વધુમાં વધુ ૪૦ કલાકના કામ પછી એક દિવસની રજા જરૂર આપવામાં આવશે. ઘણા હંગામી કર્મચારીઓના વષોથી પગાર ન વધવા બાબતે ડીઓપીટીએ કહ્યું છે કે તેમને પણ આ સુવિધા નિયમિત કર્મચારીઓની જેમ મળશે.

(10:59 am IST)