Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

નળ, સાબુથી લઈને અરીસા સુધીનું ચોર લોકો બઠાવી ગયાઃ રેલ્વેને રૂ. ૫૪ લાખનું નુકશાન

સરકાર ટ્રેનમાં સુવિધા ઉભી કરે છે પરંતુ અસામાજિક તત્વો ચોરી કરી અસુવિધા ઉભી કરે છે

નવી દિલ્હી, તા. ૨૦ :. ભારતીય રેલ્વે મુસાફરોને સારી સુવિધા આપવાના પુરા પ્રયાસો કરી રહ્યુ છે. આ માટે કેટલીક ટ્રેનોને ઉત્કૃષ્ટ યોજના હેઠળ લકઝરી બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ બાથરૂમમાં મોટા મોટા અરીસા, સ્ટીલના નળ, એન્ટી સ્કીડ ફલોરીંગ, સ્ટીલની કચરા પેટી વગેરે લગાવવામાં આવ્યા છે પરંતુ કેટલાક અસામાજિક તત્વોને આવુ ગમતુ નથી અને તેઓએ સાબુથી લઈને ટોઈલેટ કવર સુધીનું બધુ ચોરી લીધુ છે તેથી રેલ્વેને મોટું નુકશાન થયુ છે.

રેલ્વેએ લાંબા અંતરની ટ્રેનોને લકઝરી બનાવી છે. જે હેઠળ ૩૦૦ ઉત્કર્ષ રેક લગાવાયા છે પરંતુ આ યોજનાના દોઢ વર્ષ બાદ શરમજનક તસ્વીર સામે આવી છે. મળતા અહેવાલો મુજબ રેકના શૌચાલય અને વોશ બેશીનમાંથી ૫૦૦૦થી વધુ સ્ટીલના નળ ચોરી થઈ ગયા છે. સ્ટીલની ફ્રેમ સાથેના ૨૦૦૦ અરીસા, લગભગ ૫૦૦ લીકવીડ સાબુની બોટલ અને લગભગ ૩૦૦૦ શૌચાલય ફલશ વાલ્વ, ૮૦ ઉત્કૃષ્ટ રેકથી ગાયબ થઈ ગયા છે.  એક અધિકારીના જણાવ્યા પ્રમાણે આ જાહેર થતા ઉચ્ચ અધિકારીઓમાં ચિંતા પ્રગટી છે. પ્રોજેકટ ઉત્કૃષ્ટ માટે સારી સુવિધા આપવા ૪૦૦ કરોડના ખર્ચે તે ઓકટોબર ૨૦૧૮માં લોન્ચ થઈ હતી. રેક મધ્ય અને પશ્ચિમ રેલ્વે બન્ને માટે હતી. ટ્રેનના ડબ્બામાં એલઈડી લાઈટીંગ છે અને બાયોટોઈલેટ બનાવાયા છે.

મધ્ય રેલ્વેને ચોરીને કારણે ૧૫.૨૫ લાખનું નુકશાન થયુ છે. પ.રેલ્વેને ૩૮.૫૮ લાખનું નુકશાન થયુ છે. દરેક અરીસાની કિંમત ૬૦૦ છે અને નળની કિંમત ૧૦૮ રૂ. છે. નવા સીટ કવર તૂટી ગયા છે. કટોકટીના બોક્ષમાં એક હથોડી રખાઈ હતી તે પણ ગાયબ છે. પ્રત્યેક ઉત્કૃષ્ટ રેકમાં રેલ્વેએ ૬૦ લાખ ખર્ચયા છે.

તેજશ એકસપ્રેસને પણ આવુ જ નુકશાન કરાયુ છે. ટીવી સ્ક્રીન, હેડ ફોન, સીટો વગેરેને નુકશાન કરાયુ છે.

(10:59 am IST)