Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

નમસ્તે ઈવેન્ટ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી-ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દિલ્હીમાં મિટીંગ યોજાશે

૨૫મીએ યોજાનારી મિટીંગમાં તમામ મુદ્દા છવાશે : સંરક્ષણ સંબંધિત શ્રેણીબદ્ધ સોદાબાજી થવાની સંભાવના

નવી દિલ્હી,તા. ૧૯ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના બે દિવસના ભારત પ્રવાસ પર ૨૪મી ફેબ્રુઆરીના દિવસે અમદાવાદ પહોંચી રહ્યા છે. આગામી દિવસે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાનાર છે. જેમાં જુદા જુદા પાસા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે. મોદી અને ટ્રમ્પ વચ્ચે યોજાનારી બેઠકમાં સંરક્ષણ, વેપાર ઉપર ખાસ ચર્ચા થશે. નમસ્તે ઈવેન્ટ બાદ મોદી અને ટ્રમ્પ આગલા દિવસે બેઠક યોજશે. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રંગલા દ્વારા આજે જણાવવામાં આવ્યું હતું કે ટ્રમ્પ ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે ભારત પહોંચી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે બંને દેશો વચ્ચેના સંબંધ અભૂતપૂર્વ રહ્યા છે. નમસ્તે ટ્રમ્પ ઈવેન્ટ અમેરિકામાં ગયા વર્ષે હોસ્ટનમાં થયેલા હાઉડી મોદીની જેમ જ થશે. ૨૫મી ફેબ્રુઆરીના દિવસે બંને નેતાઓ વચ્ચે ચર્ચા થશે. મોદી તેમના માટે લંચનું આયોજન પણ કરશે. જ્યારે સાંજના સમયે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમના માટે ડિનરનું આયોજન કરશે.

સૂત્રોએ કહ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સમજૂતિ કરવાની હાલમાં કોઈપણ ઉતાવળ દેખાઈ રહી નથી. લાંબા ગાળાના આયોજનને ધ્યાનમાં લઈને નિર્ણય કરવામાં આવનાર છે. જોકે બંને દેશો વચ્ચે સંરક્ષણ સંબંધિત કેટલીક મોટી સમજૂતિઓ થઈ શકે છે. બીજી બાજુ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક વીડિયો પોસ્ટ જારી કરીને કહ્યું છે કે વિશ્વની સૌથી જૂની લોકશાહી ૨૪મી ફેબ્રુઆરીના દિવસે વિશ્વના સૌથી મોટા લોકતંત્રને મળશે. તે વખતે ટ્રમ્પ ક્રિકેટ સ્ટેડિયમમાં મોદીની સાથે એક મોટી સભાને સંબોધશે. નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ૧.૧૦ લાખ લોકો સામેલ થવાની અપેક્ષા છે. વીડિયોમાં કહેવાયું છે કે ટ્રમ્પ અમદાવાદ આવનાર અમેરિકાના પ્રથમ પ્રમુખ છે. અમારા વડાપ્રધાન મોદીની સાથે ૨૪મી ફેબ્રુઆરીના દિવસે સાથે રહેશે. ૨૨ કિલોમીટરનો રોડ શો યોજાશે. એરપોર્ટથી ક્રિકેટ સ્ટેડિયમ સુધી આ રોડ શો ચાલશે.

(12:00 am IST)