Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

CAA પર અમલની જોરશોરથી તૈયારી

બીન ભાજપી રાજ્યોના વિરોધ છતાં કાનુન પર સરકાર આગળ વધશેઃ નિયમોને અંતિમ ઓપ : આવતા મહિને નોટીફીકેશન

નવી દિલ્હી તા. ૨૦ : બિન ભાજપા શાસિત રાજ્યોના વિરોધ છતાં કેન્દ્ર સરકાર નાગરિકતા સંશોધન કાનૂન (સીએએ)ને લાગૂ કરવાની તૈયારીમાં છે. ૧૦ જાન્યુઆરીએ સીએએની અધિસૂચના જાહેર કર્યા પછી સરકાર હવે તેને લાગુ કરવા માટેના નિયમ - કાયદાઓને અંતિમ સ્વરૂપ આપવામાં લાગી છે. આસામ માટે નિયમો - કાયદાઓ દેશના બાકી ભાગથી અલગ હોઇ શકે છે. એવું માનવામાં આવે છે કે આ નિયમો - કાયદાઓ ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં અધિસૂચિત કરી શકાય છે.

 

ગૃહ મંત્રાલયના ઉચ્ચ પદસ્થ સૂત્રો અનુસાર, આસામ સરકાર તરફથી સીએએ અંગે ખાસ નિયમો - કાયદાઓ બનાવવાનું સૂચન આવ્યું છે. તેમાં આને ત્રણ મહિનામાં પુરો કરવો અને આસામમાં ચાલી રહેલા એનઆરસી સાથે જોડવાનું સામેલ છે. ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરનાર આસામના એક સીનીયર પ્રધાન અનુસાર આસામમાં એનઆરસીની પ્રક્રિયા ગત દિવસોથી ચાલુ છે. એટલે ૨૦૧૪ પહેલા રાજ્યમાં બાંગ્લાદેશથી આવેલા લઘુમતિ સમાજના લોકોએ આના માટે અરજી ન કરી હોય તેવું ન બને. તેમના અનુસાર લોકોને સીએએ માટે પણ એ જ દસ્તાવેજો દેખાડવાનું કહેવાશે જે તેમણે એનઆરસી દરમિયાન દેખાડયા હતા. તેમણે કહ્યું કે, આસામમાં સીએએ વિરોધઓ દ્વારા દર્શાવાઇ રહેલી આશંકાઓથી વિરૂધ્ધ લગભગ ત્રણ લાખ લોકો જ આના હેઠળ ભારતની નાગરિકતા મેળવવા હક્કદાર થઇ શકશે.

અત્યારે બાંગ્લાદેશથી આવેલા લગભગ પાંચ લાખ લઘુમતિ લોકો એનઆરસીમાંથી બહાર છે પણ ટ્રીબ્યુનલમાં સુનાવણી દરમિયાન તેમાંથી બે લાખ લોકો આપોઆપ એનઆરસીમાં સામેલ થઇ જશે. જેમાંથી મોટાભાગના હિંદુ છે. ગૃહ મંત્રાલયના સૂત્રો અનુસાર સીએએમાં આસામ માટે ખાસ જોગવાઇ કરવાના રાજ્ય સરકારના અનુરોધ પર વિચાર કરાઇ રહ્યો છે.

(10:55 am IST)