Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

બજેટમાં ૫ લાખથી વધુ આવકવાળાને મળશે રાહત

ર.પ૦ લાખથી લઇને પ લાખ સુધીના પહેલા સ્લેબ પર પ ટકા ટેક્ષ રહેશે પણ પથી ૧૦ લાખ સુધીની આવક પર ર૦ ને બદલે ૧૦ ટકા ટેક્ષ લદાશેઃ ૧૦ લાખથી રપ લાખ સુધીની વાર્ષિક આવક પર ૩૦ ટકાને બદલે ર૦ ટકા ટેક્ષ કરવા હિલચાલ

નવી દિલ્હી તા. ર૦ :.. આર્થિક ગતિવિધીઓને પાટા પર લાવીને ર૦ર૪-રપ સુધીમાં પાંચ લાખ કરોડની અર્થ વ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય હાંસલ કરવા માટે આગામી બજેટમાં લોકો ખાસ કરીને મધ્યમ વર્ગની ખરિદ શકિત વધારાવાના ઉદેશથી આવક વેરામાં  મોટી રાહત મળી શકે છે. નાણા પ્રધાન સીતારમણ પહેલી ફેબ્રુઆરીએ ર૦ર૦-ર૧ નું બજેટ રજૂ કરશે. હાલમાં મંદ પડેલી અર્થ વ્યવસ્થાને જોતા આ બજેટ અંગે ઘણી આશાઓ સેવાઇ રહી છે. વિશ્લેષકો એવી આશા રાખી રહ્યા છે કે નાણાપ્રધાન કોર્પોરેટ કરમાં ઘટાડાની જેમ આવકવેરામાં છૂટ આપીને લોકોની ખરીદ શકિત વધારી શકે છે.

તેમનું કહેવું છે કે ર.પ૦ લાખથી પાંચ લાખ રૂપિયા સુધીના પહેલા સ્લેબ પર પાંચ ટકા કર ચાલુ રહેશે પણ પાંચ લાખથી દસ લાખ સુધી આવક પર વેરો ર૦ ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરાઇ શકે છે. આ રીતે ૧૦ લાખથી રપ લાખની વાર્ષિક આવક પરના કર ને પણ ઘટાડીને ૩૦ ટકાથી ર૦ ટકા કરાઇ શકે છે.

કેટલાક અર્થશાસ્ત્રીઓએ રપ લાખ રૂપિયાથી એક કરોડ રૂપિયા સુધીની આવક પર કર રપ ટકા રાખવાની ભલામણ કરતા કહયું છે કે એક કરોડથી વધારેની આવક પર  ૩૦ ટકા કર લગાવવો જોઇએ કેમ કે આટલી આવક વાળા લોકો વધારે કર આપી શકે. તેમણે અમીરો પરના આવકવેરા પર લાગતા સેસને બંધ કરવાની અપીલ કરતા કહયું છે કે સરકાર જેટલો ઊંચો દર રાખે છે. કરની આવક એટલી જ ઘટે છે.

આ વર્ષના બજેટમાં આવકવેરા કાયદાની જગ્યાએ ડાયરેકટ ટેક્ષ સંહિતા લવાય તેવું અનુમાન પણ થઇ રહ્યું છે. આ અંગેની સમિતિએ મધ્યમ વર્ગ માટે કરબોજ ઓછો કરવાની ભલામણ કરી હતી. જો આ ભલામણો લાગુ થશે તો મધ્યમ વર્ગ પરનો કરબોજ ઘટી શકે છે. સમિતિના રિપોર્ટ અનુસાર, કર સ્લેબમાં ફેરફારથી થોડા વર્ષો રાજસ્વ ઘટશે પણ લાંબા ગાળે આનો ફાયદો જોવા મળશે.

(10:54 am IST)