Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

૧% લોકો પાસે દેશના ૭૦% લોકો કરતા ૪ ગણી સંપત્તિ

ઓકસફામનો રિપોર્ટ : ભારતીય ૬૩ ધનકુબેરો પાસે દેશના બજેટ કરતા પણ વધુ સંપત્તિ છેઃ વિશ્વના ૨૧૫૩ ધનવાનો પાસે વિશ્વની વસ્તીના ૬૦ ટકા લોકો કરતા વધુ પૈસા : ગરીબ - અમીર વચ્ચે આર્થિક અસમાનતા વધુ પ્હોળી બની

દાવોસ તા. ૨૦ : એક રિપોર્ટ અનુસાર ભારતના ૧ ટકા શ્રીમંતો પાસે ૭૦ ટકા વસ્તી (લગભગ ૯૫૩ મિલીયન - ૯૫૩૦ લાખ)ની કુલ સંપત્તિના ચાર ગણુ ધન છે. રિપોર્ટ અનુસાર ભારતીય ધનકુબરો પાસે જે સંપત્તિ છે તે દેશના બજેટથી પણ વધુ છે. દાવોસમાં ચાલી રહેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ઓકસફામએ પોતાના રિપોર્ટ 'ટાઇમ ટુ કેયર'માં કહ્યું છે કે, વિશ્વના ૨૧૫૩ ધનકુબેરો પાસે ૪.૬ અબજ લોકો (વિશ્વની વસ્તીના ૬૦ ટકા)ના મુકાબલે વધુ સંપત્તિ છે.

આ રિપોર્ટમાં સ્પષ્ટ જણાવાયું છે કે, સમગ્ર વિશ્વમાં આર્થિક અસમાનતા ઝડપથી ફેલાઇ રહી છે. શ્રીમંતો ઘણા ઝડપથી વધુ શ્રીમંત બની રહ્યા છે. જ્યારે ગરીબો વધુ ગરીબ બની રહ્યા છે. છેલ્લા એક દાયકામાં અબજપત્તિઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે.

ઓકસફામના સીઇઓ અમિતાભ બેહરે કહ્યું છે કે, અમીર અને ગરીબ વચ્ચેની ખાઇ દુર કરવા સરકારે પગલા લેવા જોઇએ. અસમાનતા દુર કરવા માટે સરકારે ગરીબો માટે ખાસ નીતિઓ અમલી બનાવવી જોઇએ.

ભારતના પરિપેક્ષમાં એકસફામે કહ્યું છે કે, ૬૩ ભારતીય ધનકુબેરોની સંયુકત કુલ સંપત્તિ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં કુલ કેન્દ્રીય બજેટથી ઘણી વધુ હતી જે ૨૪,૪૨,૨૦૦ કરોડ રૂપિયા હતી. રિપોર્ટ અનુસાર એક મહિલા ઘરેલુ કર્મચારીને ૧ વર્ષમાં એક કંપનીના સીઇઓ બનવા માટે ૨૨,૨૭૭ વર્ષનો સમય લાગે છે.

(10:48 am IST)