Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

ભાજપમાં જેપી નડ્ડા યુગ શરૂ : અધ્યક્ષ તરીકે જેપી નડ્ડાની તાજપોશી થઇ

પ્રમુખ તરીકે જેપી નડ્ડાની અવધિ હવે ૨૦૨૨ સુધી રહેશે : અધ્યક્ષ તરીકે નિમણૂંક સંબંધિત ભવ્ય કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીયમંત્રી અમિત શાહ, યુપી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત તમામ ઉપસ્થિત : ભાજપના તમામ દિગ્ગજો દ્વારા શુભેચ્છાઓ

નવીદિલ્હી, તા. ૨૦ : જગત પ્રકાશ નડ્ડા (જેપી નડ્ડા) હવે ભાજપના નવા અધ્યક્ષ બની ગયા છે. જેપી નડ્ડાની ભાજપ અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવતા આને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો હતો. આની સાથે ભાજપમાં હવે નડ્ડા યુગની રૂઆત થઇ છે. તેમની અવધિ ૨૦૨૨ સુધી રહેશે. પાર્ટીના સંગઠન ચૂંટણી પ્રભારી રાધામોહનસિંહે આજે તેમની નિમણૂંક અંગેની જાહેરાત કરી હતી. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની તમામ બંધારણીય પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી હતી. જગત પ્રકાશ નડ્ડા ૨૦૧૯થી ૨૦૨૨ સુધી સર્વસંમતિથી અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ વર્તમાન અધ્યક્ષ અને કેન્દ્રીયમંત્રી અમિત શાહ અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓએ નડ્ડાને શુભેચ્છા પાઠવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા.

                 આ પહેલા ભાજપના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીયમંત્રી અમિત શાહે જેપી નડ્ડાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા માટે પ્રસ્તાવ સંગઠન ચૂંટણી પ્રભારી રાધામોહનસિંહને સોંપ્યો હતો. નડ્ડાની બિનહરીફ પસંદગી કરવામાં આવી હતી. અમિત શાહે ગૃહમંત્રી તરીકેની જવાબદારી સંભાળી લીધા બાદથી ભાજપના કારોબારી પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી રહેલા જેપી નડ્ડા હવે પૂર્ણ અધ્યક્ષ બની ગયા છે. લો પ્રોફાઇલ રહેનાર અને પોતાના નિવેદનોથી દૂર રહેનાર જેપી નડ્ડા ભલે કરિશ્માઈ નેતા નથી પરંતુ સંગઠન ઉપર તેમની હંમેશા પકડ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના સાથી તરીકે પણ તેમને ગણવામાં આવે છે. ૧૯૯૧માં જે દોરમાં જેપી નડ્ડા યુવા મોરચાનું નેતૃત્વ સંભાળી રહ્યા હતા ત્યારે મોદી મહાસચિવ તરીકે હતા. તે વખતથી બંને વચ્ચેના સારા સંબંધ રહ્યા છે. વડાપ્રધાન મોદીનું કદ વધ્યું ત્યારે તેમની સાથે સાથે નડ્ડાની રાષ્ટ્રીય રાજનીતિમાં પણ વધારો થયો હતો.

              યુપીમાં ઉલ્લેખનીય કામગીરી અદા કરવામાં જેપી નડ્ડા સફળ રહ્યા છે. પાર્ટી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ જેપી નડ્ડાએ તમામ વરિષ્ઠ નેતાઓના આશીર્વાદ મેળવ્યા હતા. દિલ્હીમાં પાર્ટી ઓફિસ પર તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું જેમાં વડાપ્રધાન મોદી ઉપરાંત અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, રાજનાથસિંહ, નીતિન ગડકરી ઉપસ્થિત રહ્યા હતા. નડ્ડાએ તમામના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. જેપી નડ્ડાએ ત્યારબાદ સંબોધન પણ કર્યું હતું. અમિત શાહે પણ સંબોધન કર્યું હતું.

              ભાજપના તમામ નેતાઓએ તેમને શુભેચ્છા પાઠવી હતી. રાજનાથસિંહે કહ્યું હતું કે, ૨૦૧૩માં પ્રજાના જનમાનસના લોકો કોઇને વડાપ્રધાન તરીકે જોવા ઇચ્છુક હતા તો તે નરેન્દ્ર મોદી હતા. આજ બાબતની નોંધ લઇને પાર્ટીએ મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા. મોદીના નેતૃત્વ હેઠળ કોઇ બિન કોંગ્રેસી પાર્ટીએ સ્પષ્ટ બહુમતિ મેળવી હતી. ત્યારબાદ અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા અને તેમની અવધિમાં પાર્ટીએ વધુ મોટી સિદ્ધિઓ હાંસલ કરી હતી. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ સર્જીને ૩૦૩ સીટો જીતી હતી. આનાથી મોટી જીત મેળવવાની તૈયારી હવે કરવામાં આવી રહી છે જેમાં નડ્ડાની ભૂમિકા રહેશે. જેપી નડ્ડા અમિત શાહની જગ્યા પર આવ્યા છે. અમિત શાહના નેતૃત્વમાં પાર્ટીએ અનેક સફળતાઓ મેળવી હતી.

(7:56 pm IST)