Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

નાણા મંત્રાલયમાં આજે યોજાશે હલવા સેરેમની, બજેટ સુધી કેદ થશે ૧૦૦થી વધુ અધિકારીઓઃ બજેટ છાપવાનું શરૂ થશે

અધિકારીઓ અને કર્મચારીઓ પર ગુપ્તચર એજન્સી IBની નજર હોય છે

નવી દિલ્હી, તા.૨૦: નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ના સામાન્ય બજેટની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. મળતી માહિતી અનુસાર આજે નાણા મંત્રાલયમાં હલવા સેરેમની યોજાશે. જેમાં નિર્મલા સીતારમણ સહિતના અધિકારીઓ હાજર રહેશે. આ સેરેમની પછી બજેટ રજૂ નહીં થાય ત્યાં સુધી ૧૦૦થી વધુ અધિકારીઓ કેદ રહેશે. તેઓને ઘરે જવાની મંજૂરી પણ મળશે નહીં.

દર વર્ષે બજેટને આખરી રૂપ આપવાના થોડા દિવસ પહેલાં નાણાં મંત્રાલયની ઓફિસમાં એક મોટી કઢાઈમાં હલવો બનાવવામાં આવે છે. કહેવાય છે કે કોઈ સારા કામની શરૂઆત ગળ્યું ખાઈને કરવી આ પરંપરાને અનુસરીને ગલવા સેરેમની યોજવામાં આવે છે. જે કર્મચારીઓ અને અધિકારીઓ બજેટની પ્રક્રિયામાં જોડાયેલા હોય છે તેમને નાણા અધિકારીઓ હલવો વહેંચે છે. ઉલ્લેખનીય છે કે બજેટ રજૂ થવાના એક અઠવાડિયા પહેલાં આ લોકોને ૨૪ કલાક નોર્થ બ્લોકમાં પસાર કરવા પડે છે. હલવા સેરેમની બાદથી બજેટ રજૂ ન થાય ત્યાં સુધી તેઓ બહાર પણ નીકળી શકતા નથી.

બજેટ કોઈ પણ સરકારનો ગોપનીય એટલે કે ખાનગી દસ્તાવેજ ગણાય છે. તેને બનાવવાની પ્રક્રિયામાં સામેલ અધિકારીઓ ૨-૩ અઠવાડિયા સુધી નોર્થ બ્લોકમાં રહે છે. તેમનો દુનિયા સાથે સંપર્ક થઈ શકતો નથી. ફકત ૧ ફોન હોય છે જેની મદદથી તેઓ કોલ રિસિવ કરી શકે છે પણ કોલ કરી શકતા નથી. બજેટ પત્ર નાણામંત્રાલયના પ્રેસમાં છપાય છે.

દિલ્હીના નોર્થ બ્લોક એટલે કે નાણામંત્રીની ઓફિસ સરકાર માટે એક તિજોરી છે. તેની સુરક્ષા વધારી દેવામાં આવે છે. અધિકારીઓ અને કર્મચારીઓ પર ગુપ્તચર એજન્સી IBની નજર હોય છે. આ સાથે જ તેમના ફોન અને ઘરના મોબાઈલ ફોન કે લેન્ડ લાઈનને પણ ટેપિંગમાં રાખવામાં આવે છે.

દિલ્હીનું નોર્થ બ્લોક આઈબી સુરક્ષાના દાયરામાં રહે છે.

બજેટ પહેલાં નાણામંત્રીને ઝેડ સિકયોરિટી આપવામાં આવે છે.

નાણામંત્રાલયને ઈમેલ મોકલવાની સુવિધા મળતી નથી.

બજેટ રજૂ થવાના ૧ કે ૨ દિવસ પહેલાં જ તેને વિશેષ પ્રેસમાં છાપવામાં આવે છે.

બજેટ છાપનારાને પણ દ્યરે જવાની પરમિશન હોતી નથી.

બજેટ બનાવવા નાણાંમંત્રાલય સહિત અન્ય ૫ મંત્રાલયના અધિકારીઓની મદદ લેવાય છે.

આ મંત્રાલયો પણ બજેટમાં હોય છે સામેલ

બજેટ બનાવતી સમયે અનેક મંત્રાલય સામેલ હોય છે. જેમકે નાણાંમંત્રાલય, પેટ્રોલિયમ મંત્રાલય, કાયદા મંત્રાલય, રેલ મંત્રાલય, રક્ષા મંત્રાલય.(૨૩.૩)

(9:49 am IST)