Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

તોગડિયાના મામલે કોઈની પણ મધ્યસ્થી નથી જોઈતી નરેન્દ્રભાઈને

વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ અને બીજેપી વચ્ચે શરૂ થયેલા વિવાદને શાંત પાડવા આરએસએસ મધ્યસ્થી કરવા માગતો હોવા છતાં વડાપ્રધાને સ્પષ્ટ ના પાડી દીધી

નવી દિલ્હી, તા. ૨૦ :. ગુજરાતમાં પ્રવીણ તોગડિયાના મામલે વિવાદ ચરમસીમા પર પહોંચી ગયો હોવાથી ફાઈનલી આરએસએસ દ્વારા આ મુદ્દે મધ્યસ્થી કરવાનું અને બીજેપી તથા પ્રવીણ તોગડીયા વચ્ચે પેચ-અપ કરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેનો સંદેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મોકલવામાં આવ્યો હતો, પણ આ બાબતમાં કોઈની પણ મધ્યસ્થી સ્વીકારવા મોદી તૈયાર નથી એવો મેસેજ નરેન્દ્ર મોદીને ત્યાંથી સંઘને મળી જતા હવે તોગડિયા-મોદી વિવાદ વધુ વકરે એવી શકયતા જોવામાં આવી રહી છે.

નરેન્દ્ર મોદી અને પ્રવીણ તોગડિયા વચ્ચે આમ તો મનમેળ નહીં હોવાનું લગભગ બે વર્ષથી બહાર આવી ગયું હતું પણ ગુજરાત વિધાનસભાના ઈલેકશનમાં બીજેપી વિરૂદ્ધ કામ કરવાના તોગડિયા પર લાગેલા આક્ષેપો પોતાના એક સમયના આ ભાઈબંધ સાથેની બધી યારીદોસ્તી નરેન્દ્ર મોદીએ ભુલાવી દીધી છે. નરેન્દ્ર મોદીની જ સ્પષ્ટ સૂચનાથી બીજેપીએ પણ અત્યારના સમયે પ્રવીણ તોગડિયા સાથેના સંબંધો પુરા કરી નાખ્યા છે અને તેમની સાથો કોઈ જાતનો વ્યવહાર નથી રાખ્યો. જો કે એમ છતાં પણ બધાને એવું હતુ ખરૂ કે જે સમયે આરએસએસ આમા ઈન્વોલ્વ થશે એ સમયે ઘીના ઠામમાં ઘી પડી જાય એવી પરિસ્થિતિ ઉભી થશે, પણ બીજેપીના ધૂરંધર નેતાઓની આ ધારણા સાવ ખોટી પુરવાર થઈ છે અને નરેન્દ્ર મોદીએ તોગડિયાના મામલે કોઈની પણ મધ્યસ્થી સ્વીકારવાની કે પછી પેચ-અપ કરી લેવાની સ્પષ્ટ ના પાડી દીધી, જેના આધારે કહી શકાય કે આવનારા સમયમાં તોગડિયા-મોદી વિવાદ ચરમસીમા પર પહોંચશે  એ  હવે  લગભગ  નક્કી  છે. (૨-૨)

(10:07 am IST)