Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

કોરોના ટેસ્ટમાં અમેરિકા કરતા દિલ્હી આગળ :મુખ્યમંત્રી કેજરીવાલનો દાવો

દિલ્હીમાં ૧૦ લાખની વસતીએ દૈનિક ૪,૫૦૦ ટેસ્ટ થાય છેઃ કેજરીવાલ

નવી દિલ્હી :દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, રાજ્યમાં કોવિડ ૧૯ની ત્રીજી વેવ સમાપ્ત થઈ ગઈ હોવાનું લાગી રહ્યું છે. દિલ્હીમાં આજે પ્રતિદિવસ લગભગ ૯૦,૦૦૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ટેસ્ટ દેશમાં સૌથી વધુ છે.કેજરીવાલે જણાવ્યું કે દિલ્હીમાં સમગ્ર દેશમાં કોરોનાથી સૌથી વધુ સમસ્યા સર્જાઈ હતી અને દિલ્હીએ તેનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા થોડા દિવસોથી કોરોનાની ત્રીજી લહેર અહીં ચાલી રહી હતી. લાગે છે કે દિલ્હીવાસીઓએ મળીને કોરોનાની ત્રીજી લહેર પર કાબૂ મેળવી લીધો છે. દિલ્હી સરકારે સૌથી વધુ ટેસ્ટ કરવા પર ભાર આપ્યો હતો અને દિલ્હીમાં દૈનિક ૯૦,૦૦૦ ટેસ્ટ થઈ રહ્યા છે. અમેરિકામાં પ્રતિ ૧૦ લાખની વસતી પર ૪,૩૦૦ ટેસ્ટ થઈ રહ્યા છે અને દિલ્હીમાં આ આંકડો ૪,૫૦૦ છે.ન્યૂયોર્કમાં એક દિવસમાં ૬,૩૦૦ કેસ સામે આવ્યા હતા અને હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ હતો

  બીજીતરફ દિલ્હીમાં ૮,૬૦૦ કેસ આવ્યા હોવા છતાં કોઈજ અફરાતફરી જોવા મળી નહતી. તે દિવસે દિલ્હીમાં ૭,૦૦૦ બેડ ખાલી હતી. આ દિલ્હીના શ્રેષ્ઠ બેડ મેનેજમેન્ટનું પરિણામ છે.મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, નવેમ્બરમાં અમે ૧૦૦ લોકોના ટેસ્ટ કરતા હતા જેમાંથી ૧૫.૬ ટકા લોકો પોઝિટિવ મળતા હતા પરંતુ આજે આ આંકડો ૧.૩ ટકાએ આવ્યો છે. આજે જે રિપોર્ટ આવે છે તેમાં ૮૭ હજાર ટેસ્ટ સામે ૧,૧૩૩ લોકો પોઝિટિવ મળે છે.દિલ્હીમાં પ્રતિદિવસ દસ લાખે ૪,૫૦૦ ટેસ્ટ થાય છે. ઉત્તર પ્રદેશમાં પ્રતિ દિવસ ૧૦ લાખની વસ્તીએ ૬૭૦ ટેસ્ટ થાય છે ગુજરાતમાં ૮૦૦ ટેસ્ટ થઈ રહ્યા છે.

(9:02 pm IST)