Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

લવ જેહાદના કેસમાં પુરાવાના અભાવે કોર્ટે યુવકને મુક્ત કર્યો

પોલીસે યુવકને ૧૩ દિવસ જેલમાં રાખ્યો : યુવતીનું જબરજસ્તી ધર્માંતરણ કરાવાયું હોવાના આક્ષેપ બાદ પોલીસે આ દંપત્તીને નિકાહ પઢતા અટકાવી દીધા

બરેલી,તા.૧૯ : દેશભરમાં ચર્ચા જગાવનારા મુરાદાબાદના લવ જેહાદ કેસમાં ૧૩ દિવસ જેલમાં રહ્યા બાદ આખરે મુસ્લિમ યુવકને કોર્ટે મુક્ત કરવાનો આદેશ કર્યો છે. યુવકની પત્નીને પોલીસ નારી સંરક્ષણ ગૃહમાં લઈ ગઈ હતી. જ્યાં પોતાના પર ટોર્ચર કરાયું હોવાનો યુવતીએ દાવો કર્યો હતો અને દરમિયાન તેનો ગર્ભપાત થઈ ગયો હતો. સરકારી હોસ્પિટલ અંગે ઈનકાર કરતી રહી હતી, પરંતુ એક ખાનગી લેબમાં કરાયેલી સોનોગ્રાફીમાં યુવતીનો ગર્ભપાત થઈ ગયો હોવાની પુષ્ટિ થઈ છે. જુલાઈ ૨૦૨૦માં દહેરાદૂનમાં લગ્ન કરી લેનારા પતિ-પત્ની યુપી આવ્યા હતા, અને તેઓ મુસ્લિમ વિધિ અનુસાર નિકાહ પઢવા જઈ રહ્યા હતા ત્યારે બજરંગ દળ દ્વારા પોલીસને અંગે જાણ કરાઈ હતી, અને યુવતીનું જબરજસ્તી ધર્માંતરણ કરાવાયું હોવાના આક્ષેપ કર્યા હતા. પોલીસે કપલને નિકાહ પઢતું અટકાવી યુવતીના પતિ અને જેઠની ધરપકડ કરી હતી,

જ્યારે યુવતીને નારી સંરક્ષણ ગૃહ મોકલી દેવામાં આવી હતી. કેસમાં યુવતીએ આક્ષેપ કર્યો હતો કે, તે ગર્ભવતી હતી અને નારી સંરક્ષણ ગૃહમાં તેને ટોર્ચર કરાયા બાદ તેને પેટમાં દુઃખાવો ઉપડ્યો હતો. જોકે, અંગે જણાવા છતાં બે-ત્રણ દિવસ કોઈએ ધ્યાન નહોતું આપ્યું. આખરે તેને બ્લિડિંગ શરુ થતાં તેને સરકારી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. યુવતીએ જણાવ્યું હતું કે ત્યાં તેને ઈન્જેક્શન અપાયા હતા, અને તેના કારણે તેને વધુ બ્લિડિંગ થવાનું શરુ થયું હતું તેમજ તેનો ગર્ભપાત થઈ ગયો હતો. યુવતીને સપ્તાહમાં તેના સાસરિયા સાથે મોકલી દેવાઈ હતી,

જ્યારે તેના પતિ અને જેઠ હજુય જેલમાં છે. જોકે, કોર્ટે તેમને મુક્ત કરવાનો આદેશ કરતા હવે તેઓ પોતાના ઘરે જઈ શકશે. જોકે, યુવતીને છેલ્લા પાંચ દિવસથી કહેવાઈ રહ્યું છે કે તેનો પતિ ઘરે પરત આવી જશે, પરંતુ હજુ સુધી તે રાહ જોઈ રહી છે. તેણે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગર્ભપાત થઈ ગયા બાદ પણ તે પોતાના પતિ સાથે વાત કરી શકી નથી. યુવતીએ એવો સવાલ પણ કર્યો હતો કે જો કોર્ટમાં રજિસ્ટર્ડ મેરેજ કરી લીધા બાદ પણ આવું થતું હોય તો તેનો મતલબ શું છે?

(7:04 pm IST)