Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

હડતાળ પર ઉતરેલા ઇન્ટર્ન તબીબોના પ્રશ્નોનો સુખદ અંત:રાજ્યની સરકારી મેડિકલ કોલેજો અને જી.એમ.ઇ.આર.એસ હસ્તકની કોલેજના ઇન્ટર્ન તબીબોને રૂ. ૫૦૦૦ નું વધારાનું વેતન ચુકવાશે : નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ

કોરોનાના કપરા કાળમાં કરેલી માનવસેવાની કામગીરીને ધ્યાને રાખીને કરાયો નિર્ણય રાજયની સરકારી અને જી.એમ.ઈ.આર.એસ મેડીકલ કોલેજના અંદાજે ૨૨૦૦થી વધુ તબીબોને લાભ :નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સાથે યોજાયેલી બેઠકની ફળશ્રુતિ

  અમદાવાદ : સમગ્ર રાજ્યની સરકારી મેડિકલ કોલેજો અને જી.એમ.ઇ.આર.એસ હસ્તકની કોલેજના ઇન્ટર્ન તબીબો દ્વારા શરૂ કરાયેલ હડતાળ સંદર્ભે આજે તબીબી પ્રતિનિધિઓની નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે પરામર્શ કરીને અને ઇન્ટર્ન તબીબોના પ્રતિનિધિ મંડળ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ તબીબોએ હડતાલ પાછી ખેંચી લીધી છે.

 પટેલે ઉમેર્યુ કે, બે દિવસ પહેલા આ ઇન્ટર્ન તબીબો સાથે વિગતવાર લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. તે સમયે તેઓને હડતાલ સ્થગિત કરવા અનુરોધ કરાયો હતો અને તેમણે હડતાલ સ્થગિત કરી હતી. તબીબી પ્રતિનિધિ મંડળના સભ્યોની માંગણી અને રજુઆત સંદર્ભે આજે લંબાણપૂર્વક ચર્ચા કર્યા બાદ આ પ્રશ્નનું સુખદ સમાધાન થયુ છે. ઈન્ટર્ન તબીબોને કોરોનાના કપરાકાળમાં કરેલી કામગીરીને ધ્યાને લઇને આ તબીબોને પ્રતિ માસ રૂ.૫૦૦૦ નું વધારાનું પ્રોત્સાહક ભથ્થું ચૂકવવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. 

  નાયબ મુખ્યમંત્રી પટેલે બેઠક બાદ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજયની સરકારી અને જી.એમ.ઈ.આર.એસ કોલેજના ઈન્ટર્ન તબીબોને હાલ રૂપિયા ૧૩૦૦૦ નું સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવે છે તેમાં કોઇ વધારો કરાયો નથી. પ્રોત્સાહકરૂપે આ રૂ.૫૦૦૦ નું વધારાનું મહેનતાણું સ્ટાઇપેન્ડ ઉપરાંત ચુકવવામાં આવશે. જેના લીધે હવે આ ઇન્ટર્ન તબીબોને રૂ. ૧૮,૦૦૦ ચૂકવાશે જેનો અંદાજે ૨૨૦૦ જેટલા તબીબોને લાભ મળશે. આ નિર્ણયને ઇન્ટર્ન તબીબોએ ઉત્સાહપૂર્વક વધાવી લીધો છે. આ પ્રોત્સાહક ભથ્થું એપ્રિલ-૨૦૨૦ થી આગામી ફેબ્રુઆરી-૨૦૨૧ દરમ્યાન આ તબીબોની ટર્મ પુરી થાય છે તેઓને આ લાભ મળશે. 

(6:28 pm IST)