Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

પશ્ચિમ બંગાળમાં રવિન્‍દ્રનાથ ટાગોરની તસ્‍વીર ઉપર અમિતભાઇ શાહની તસ્‍વીર લગાવી દેતા ભારે વિરોધ વંટોળઃ પોસ્‍ટરો હટાવી દેવાયા

કોલકાતા: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના પશ્ચિમ બંગાળ પ્રવાસ પહેલા તેમના એક પોસ્ટરને લઇને વિવાદ થયો હતો. આ વિવાદ એટલો ગરમાઇ ગયો કે પોસ્ટર પણ હટાવી દેવામાં આવ્યુ હતું. આ પોસ્ટરમાં અમિત શાહની તસવીર રવીન્દ્રનાથ ટાગોરની તસવીર ઉપર લગાવવામાં આવી હતી. આ તસવીરને લઇને બીરભૂમ જિલ્લામાં બોલપુરના પ્રવાસ પહેલા શાંતિ નિકેતનમાં કેટલાક લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી.

ટાગોર પરિવારના એક સભ્યએ આ રીતના હોર્ડિગને અપમાનજનક અને ડાબેરી દળોએ તેને અનાદર ગણાવ્યો હતો. ભાજપના નેતા અનુપમ હાજરાની તસવીર પણ તે હોર્ડિંગમાં જોવા મળી હતી. જોકે, હાજરાનો આરોપ છે કે શાહના પ્રવાસ પહેલા આ તૃણમૂલ કોંગ્રેસની કરતૂત છે.

શાંતિનિકેતન આશ્રમના વાસી અને ટાગોરના પરિવારના વંશજ સુપ્રિયા ટાગોરે કહ્યુ, રવીન્દ્રનાથ ટાગોર સાથે પોતાના નેતાઓની તસવીર લગાવીને રાજકીય દળોએ ખરાબ હરકત કરી છે. આ અપમાનજનક છે.

આ વચ્ચે એસફઆઇ નેતા અને વિશ્વ ભારતી યૂનિવર્સિટીના વિદ્યાર્થી સોમનાથ સાવે કહ્યુ, ફાસીવાદી તાકાતો દ્વારા આ રીતની હરકતોથી અમને કોઇ આશ્ચર્ય નથી થયુ, અમે આ અનાદર વિરૂદ્ધ રેલી કાઢીશું.

હોર્ડિંગ પર બોલપુર શાંતિનિકેતન સંસ્કૃતિ વિકાસ સમિતીનું નામ હતું અને આ કેમ્પસ વિસ્તારમાં, બોલપુરના કેટલાક વિસ્તારમાં લગાવવામાં આવ્યુ હતું. બાદમાં આ હોર્ડિંગોને હટાવી દેવામાં આવ્યા હતા.

મહત્વપૂર્ણ છે કે બંગાળમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ગૃહમંત્રી અને પાર્ટીના પૂર્વ ચીફ અમિત શાહ આ પહેલા ભાજપની તૈયારીઓની સમીક્ષા કરવા માટે કોલકાતા પહોચ્યા છે. બંગાળમાં તે બે દિવસના પ્રવાસે છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યુ કે અમિત શાહ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા વિધાનસભા ચૂંટણી થવા સુધી દર મહિને રાજ્યના પ્રવાસે આવશે.

(4:58 pm IST)