Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

કંપની ઉપર અબજો ડોલરનું દેવુ હોવાની સાથે તેમના વિરૂદ્ધ ગેરરીતિની પણ તપાસ ચાલતી હોવાથી દુબઇના ભારતીય મૂળના અબજોપતિ બીઆર શેટ્ટીની કંપની માત્ર 73 રૂપિયામાં વેચી દેવાઇ

દુબઈ: UAEમાં ભારતીય મૂળના અબજોપતિ બીઆર શેટ્ટીની ફિનાબ્લર પીએલસી પોતાનો વેપાર ઈઝરાયલ-UAE કંજોર્ટિયમને માત્ર એક ડૉલર (73.52 રૂપિયા)માં વેચી રહી છે. જણાવી દઈએ કે, ગત વર્ષથી જ બીઆર શેટ્ટીની પડતી શરૂ થઈ ગઈ હતી. તેમની કંપની પર અબજો ડૉલરનું દેવું હોવાની સાથે જ તેમના વિરુદ્ધ ગેરરીતિની તપાસ પણ ચાલી રહી છે.

ગત ડિસેમ્બરમાં તેમના બિઝનેસની માર્કેટ વેલ્યુ 1.5 બિલિયન પાઉન્ડ હતી. જ્યારે તેમના પર એક અબજ ડૉલરનું દેવું હતું. બીઆર શેટ્ટીની ફાઈનાન્સિયલ સર્વિસ કંપની ફિનાબ્લરે જાહેરાત કરી છે કે, તે ગ્લોબલ ફિનટેક ઈન્વેસ્ટમેન્ટ્સ હોલ્ડિંગ (GFIH) સાથે સમજૂતિ કરી રહી છે.

GFIH ઈઝરાયલની પ્રિઝ્મ ગ્રુપની સહયોગી કંપની છે. જેને ફિનાબ્લર પીએલસી લિમિટેડ પોતાની તમામ સંપત્તિ વેચી રહી છે. એવું કહેવાય છે કે, આ ડીલ UAE અને ઈઝરાયલની કંપનીઓ વચ્ચે મહત્વપૂર્ણ વેપારી લેવડ-દેવડને લઈને પણ ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે.

જણાવી દઈએ કે, UAEમાં હેલ્થકેર ઈન્ડસ્ટ્રીમાં અનેક ઘણી સંપત્તિ બનાવનારા 77 વર્ષના શેટ્ટી પ્રથમ ભારતીય છે. જેમણે 1970માં NMC હેલ્થની શરૂઆત કરી હતી. જે આગળ જતા વર્ષ 2012માં લંડન સ્ટૉક એક્સચેન્જ પર લિસ્ટ થનારી દેશની પ્રથમ કંપની બની હતી. કહેવાય છે કે, 70ના દાયકામાં શેટ્ટી માત્ર 8 ડૉલર લઈને UAE પહોંચ્યા હતા અને મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી.

(4:57 pm IST)