Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

કોરોનાની વેકિસન લીધા બાદ પણ માસ્ક તો પહેરવું જ પડશેઃ ડોકટર્સનો મત

યુકેમાં કામ કરી રહેલા બેંગલોરના ડોકટરનું કહેવું છે કે વેકસીન લીધા બાદ પણ માસ્ક મહિનાઓ કે વર્ષો સુધી માસ્ક પહેરવું પડશે

બેંગાલુરૂ, તા.૧૯: કોરોના વાયરસ માટેની વેકસીન ટૂંક સમયમાં ભારતમાં ઉપલબ્ધ થઈ જશે. જોકે, બેંગાલુરૂના ડોકટરે જણાવ્યું છે કે કોરોના વેકસીન આવી ગયા બાદ પણ નાગરિકોએ માસ્ક સહિત કોવિડ-૧૯ની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. ડોકટર ગૌરવ સુંદરનું કહેવું છે કે વેકસીન બાદ પણ મહિનાઓ સુધી કદાચ કેટલાક વર્ષ સુધી આ ગાઈડલાઈનનું પાલન કરવું પડશે.

ડોકટર ગૌરવ સુંદરનું કહેવું છે કે, વિશ્વમાંથી કોરોનાને હટાવવા માટે વેકસીન એકમાત્ર રસ્તો છે. ૩૩ વર્ષીય ડોકટર સુંદર મૂળ બેંગલોરના રેડિયોલોજિસ્ટ છે જેઓ હાલમાં યુકેમાં નેશનલ હેલ્થ સર્વિસમાં કામ કરે છે. તેમણે ૧૬ ડિસેમ્બરે ફાઈઝરની કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીધો છે જયારે આગામી ત્રણ સપ્તાહની અંદર તે બીજો ડોઝ લેશે. તેમણે કહ્યું હતું કે, મને વેકસીનની કોઈ આડઅસર થઈ નથી. ફ્કત જયાં ઈન્જેકશન આપવામાં આવ્યું હતું ત્યાં થોડો સોજો છે.

ડોકટર સુંદરે ૨૦૦૫માં એમએસ રમૈયા મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ પૂરુ કર્યું હતું જયારે બેંગાલુરૂ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ (બીએમઆરસીઆઈ)માંથી રેડિયોલોજીમાં પોસ્ટ-ગ્રેજયુએશન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, વેકસીન લીધા બાદ પણ અમારે પીપીઈ કિટ્સ અને માસ્ક પહેરાવ પડશે અને ફિઝિકલ ડિસ્ટન્સ જાળવી રાખવું પડશે. જયાં સુધી વસ્તીની મોટી સંખ્યાને વેકસીન ન આપવામાં આવે ત્યાં સુધી આપણે બધાએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. આમાં કેટલાક મહિનાઓ કે પછી વર્ષો પણ લાગી શકે છે.

વેકસીનની આડઅસરના ડરના કારણે દ્યણા લોકો વેકસીન લેવાનો ઈનકાર કરી રહ્યા છે પરંતુ ડોકટર સુંદરનું કહેવું છે કે ફાઈઝર-બાયોએનટેક વેકસીનને યુકેની મેડિસિન્સ એન્ડ હેલ્થકેર પ્રોડકટ્સ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જયારે અમેરિકામાં પણ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ વેકસીન ગર્ભવતી મહિલાઓ તથા ૧૬ વર્ષથી નીચેના બાળકોને આપવામાં આવી નથી. આ ઉપરાંત જે લોકોને એલર્જીની સમસ્યા છે તેમને પણ વેકસીન આપવામાં આવી રહી નથી.

વિશ્વના છ દેશોના ૪૦,૦૦૦થી વધુ લોકો પર ટેસ્ટિંગ કર્યા બાદ જ વેકસીનને મંજૂરી આપવામાં આવી છે. ડોકટર સુંદરે જણાવ્યું હતું કે, યુકેમાં માર્ચથી મે મહિનાનો સમયગાળો ડોકટરો અને સ્વાસ્થ્યકર્મીઓ માટે સૌથી કપરો રહ્યો હતો. તેમણે દિવસના ૧૫-૧૫ કલાક કામ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ એવો સમય તો જયારે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાતી હતી. દર્દીઓની છાતીનો સ્કેન કરતા તેમને ન્યૂમોનિયા જેવા લક્ષણો જોવા મળતા હતા. તેમને કફ, તાવ કે કોરોના માટેના કહેવાતા કોઈ લક્ષણો જોવા મળતા ન હતા. ત્યારે છાતીના એકસરે અને સીટી સ્કેન દ્વારા અમને સારી સમજણ મળી હતી.

(3:41 pm IST)