Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

ભાજપ સોનાર બંગ્લાનું સ્વપ્ન પુરૃં કરશે : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

મમતાના ગઢમાં ગાબડું પાડવા ભાજપએ જોર લગાવ્યું : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમની પશ્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન એક ખેડૂતના ઘરે ભોજન લીધું હતું

કોલકાતા, તા.૧૯ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ પશ્ચિમ બંગાળની મુલાકાત છે. તેમણે બંગાળ, ભાજપ અને હિન્દુત્વને જોડતા પડાવોની યાત્રામાં સામેલ કર્યા છે. મમતા બેનર્જીના ગઢમાં બરાબરની ઘૂસ મારી છે. જે રીતે અમિત શાહ કોલકત્તામાં બંગાળના નાયક સ્વામી વિવેકાનંદના પૈતૃક ઘરે પહોંચ્યા, મિદાનપુરના મહામાયા અને સિદ્ઘેશ્વરી મંદિર અને પછી ખુદીરામ બોઝના પશ્ચિમી મિદાનપુરમાં આવેલા પૈતૃક ઘરે ગયા. તેનાથી મમતા દીદીની ચિંતા વધી ગઇ છે. તો બીજીબાજુ અમિત શાહે મિદનાપુરમાં ખેડૂત સનાતન સિંહના ઘરે ભોજન એવા સમયે લીધું જ્યારે દિલ્હીમાં કૃષિ કાયદાની વિરૂદ્ધ છેલ્લાં ૨૩ દિવસથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે.

બધાની વચ્ચે ભોજન લીધા બાદ મીડિયા ઇન્ટરવ્યુમાં અમિત શાહે કહ્યું કે મમતા બેનર્જીએ સોનાર બંગલાનું સપનું તો દેખાડી દીધું, પરંતુ તે પરિપૂર્ણ થયું નથી. તેમણે કહ્યું કે ભાજપ સ્વપ્ન પૂરું કરશે. અમિત શાહે કહ્યું કે ભાજપ વખતે ૨૦૦ બેઠકો જીતશે અને માત્ર મમતા બેનર્જીના પશ્ચિમ બંગાળના ભાજપના કાર્યકરો તેમની સામે લડશે અને તેમને પરાજિત કરશે.

શાહે વધુ કહ્યું કે એવું ક્યાંય બન્યું નથી કે ૧૮ મહિનામાં કોઈ પાર્ટીના ૩૦૦ કાર્યકર્તાઓના મોત થયા હોય. પરંતુ પશ્ચિમ બંગાળમાં આવું બન્યું છે. અમિત શાહે કહ્યું કે લોકો પશ્ચિમ બંગાળની મમતા સરકારથી નારાજ અને નાખુશ છે, તેથી તેઓ ભાજપમાં આવી રહ્યા છે.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં પીએમ આવાસ તો બનતા દેખાઇ રહ્યા છે, પરંતુ પીએમ દ્વારા ખેડૂતોને મોકલાયેલ નાણાં મળતા નથી. જો કોઈ પક્ષના મંત્રી પર હુમલો થાય છે તો કેન્દ્રએ પગલાં ભરવા પડે છે. અમિત શાહે સંઘીય બંધારણના ઉલ્લંઘનના આરોપોને નકારી દીધા હતા. અમિત શાહે કહ્યું કે, જો બીજા રાજ્યમાં કોઈ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પર હુમલો કરવામાં આવ્યો હોત તો શું કરવામાં આવત. તેમણે કહ્યું કે કેન્દ્ર પોતાના કાર્યક્ષેત્રમાં રહીને કાર્ય કરી રહ્યું છે.

(6:59 pm IST)