Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

ટીમ ઇન્ડિયાનો હોરર શોઃ ૩૬ રનમાં ફીંડલુઃ ઇતિહાસનો સૌથી કારમો પરાજય

એડીલેડ ટેસ્ટ : ઓસ્ટ્રેલીયાના બોલરો સામે ભારતીય ટીમ પત્તાના મહેલની જેમ તૂટી પડીઃ સોશ્યલ મીડિયા ઉપર ટીમ ઇન્ડિયા ઉપર માછલા ધોવાયાઃ ભારત ૨૪૪/૧૦, ૩૬/૯ : ઓસ્ટ્રેલિયા ૧૯૧/૧૦, ૯૩/૨ : એક પણ બેટ્સમેન બે આંકડે પહોંચી ન શકયોઃ શમી દાવ લેતી વખતે ઘાયલઃ પીન્ક બોલથી રમાયેલા ડે-નાઇટ ટેસ્ટમાં ત્રીજા દિવસે જ આવી ગયો ફેંસલોઃ આ પહેલા ભારતીય ટીમનો ૧૯૭૪માં ન્યુનત્તમ સ્કોર ઇંગ્લેન્ડ સામે ૪૨ રનનો હતોઃ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછો સ્કોર ન્યુઝીલેન્ડના નામે છેઃ ૧૯૫૫માં ઇંગ્લેન્ડ સામે ટીમ ૨૬ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી

એડીલેડ, તા. ૧૯ : એડીલેડ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના ધુરંધરોએ નાક ડૂબાડ્યુ છે. બીજા દાવમાં આખી ટીમ માત્ર ૩૬ રનમાં જ ઢાળીયો થઈ ગઈ હતી. ઈતિહાસનો સૌથી ઓછો જુમલો નોંધાવ્યો છે.

ટીમ ઈન્ડિયાનો એક પણ બેટ્સમેન બે આંકડે પણ પહોંચી શકયો ન હતો. ૯૦ રનનો ટાર્ગેટ ઓસ્ટ્રેલિયાએ આસાનીથી બે વિકેટે પાર પાડી લીધો હતો. ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં ઓસ્ટ્રેલિયાએ ૧-૦ની લીડ મેળવી લીધી હતી.

ભારત - ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલ પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતની બીજી ઈનિંગ માત્ર ૩૬ રનમાં જ સમેટાઈ ગઈ હતી. શમી ૧ રને રીટાયર્ડ હર્ટ થયો હતો. ભારતનો એક પણ બેટ્સમેને ડબલ ફીગરમાં પહોંચી શકયો ન હતો. આજે નાઈટ વોચમેન બુમરાહની વિકેટ ગુમાવ્યા બાદ ભારતીય બેટ્સમેનો પાણીમાં બેસી ગયા હતા. ભારતના ટેસ્ટ સ્પેશ્યાલીસ્ટ બેટ્સમેને ચેતેશ્વર પૂજારા અને અજિંકય રહાણે ખાતુ પણ ખોલાવી શકયા નહોતા. ભારતના કુલ ત્રણ બેટ્સમેન ગોલ્ડન ડક બન્યા હતા.

આજે ત્રીજા દિવસે ફકત ૯૦ મિનિટમાં જ સમગ્ર ભારતીય ટીમ ૩૬ રનના સ્કોરે પેવેલિયન પરત ફરી હતી. આ સાથે જ ભારતે ઓસ્ટ્રેલિયાને ૯૦ રનનો જીતનો લક્ષ્યાંક આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર્સની સામે ભારતીય ટીમ પત્ત્।ાના મહેલની જેમ ખડી પડી હતી. મોહમ્મદ શમીને કાંડામાં બોલ વાગતા જે રમી શકયો નહતો.

ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમનો આ સૌથી ઓછો સ્કોર રહ્યો છે. અગાઉ ૧૯૪૭માં ઈંગ્લેન્ડ સામે લોર્ડ્સ મેદાનમાં ભારતીય ટીમ ૪૨ રનમાં ઓલઆઉટ થઈ હતી જે સૌથી ઓછો સ્કોર હતો. પરંતુ હવે ૧૯ ડિસેમ્બર ૨૦૨૦દ્ગક્ન ભારતીય ટીમે ૩૬ રનના સૌથી ઓછા સ્કોરનો રેકોર્ડ કર્યો છે.

ત્રીજી દિવસની રમતના પ્રારંભે ભારતના નાઈટ વોચમેન જસપ્રીત બુમરાહ અને મયંક અગ્રવાલ બેટિંગમાં આવ્યા હતા. પરંતુ પેટ કમિન્સ અને હેઝલવૂડના તરખાટ સામે ભારતીય ટીમ પોણો કલાકમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ચેતેશ્વર પૂજારા અને અજિંકય રહાણે શૂન્યમાં આઉટ થયા હતા જયારે મયંક અગ્રવાલ ૯ રને, વિરાટ કોહલી ૪, સહા ૪, હનુમા વિહારી ૮ પર આઉટ થયા હતા.

ઓસ્ટ્રેલિયા તરફથી હેઝલવુડે પાંચ જયારે કમિન્સે ચાર વિકેટ ઝડપી હતી. ભારતીય પૂંછડિયા બેટ્સમેન મોહમ્મદ શમીને બોલ વાગતાં તે ઈજાગ્રસ્ત થયો હતો અને વધુ બેટિંગ કરી શકયો નહતો.

  • ૧૯૪૭માં ભારતની ટીમ ૪૨ રનમાં ઓલઆઉટ થઈ'તી

એડીલેડ : ટેસ્ટ ક્રિકેટમાં આજે ભારતીય ટીમનો સ્કોર સૌથી ઓછો થયો હતો. આ અગાઉ ૧૯૪૭માં ઈંગ્લેન્ડ સામે લોર્ડસના મેદાનમાં આખી ટીમ માત્ર ૪૨ રનમાં ઓલઆઉટ થઈ હતી. ૨૫ માર્ચ ૧૯૫૫ના ન્યુઝીલેન્ડ ઈંગ્લેન્ડ સામે માત્ર ૨૫ રનમાં ઓલઆઉટ થયુ હતંુ. સાઉથ આફ્રિકા ઈંગ્લેન્ડ સામે ૧૯૮૬માં ૩૦ રનમાં ઓલઆઉટ થયુ હતું. લોએસ્ટ સ્કોરમાં ભારતનો સાતમો ક્રમ છે.

(3:14 pm IST)