Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

અયોધ્યાની ઐતિહાસિકતાનો પરિચય આપશે ટુરીસ્ટ ગાઇડ : જાન્યુઆરીથી ૧૦૦ ગાઇડને તાલીમ અપાશે

રામનગરીમાં પર્યટકો આવતા નગર નિગમ અને અવધ યુનિ. વચ્ચે કરાર : સંપૂર્ણ માહિતી અપાશે

અયોધ્યા,તો ૧૯: રામમંદિર નિર્માણ કાર્ય ગતિ પકડી રહ્યું છે. અહીં આવતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. જેને ધ્યાનમાં રાખી પ્રશિક્ષીત ગાઇડ રાખવાની તૈયારી કરાઇ રહી છે. તેની મદદથી અયોધ્યાના ઇતિહાસનું વર્ણન કરાશે અને પર્યટકોને સાચી માહિતી અપાશે. નગર નિગમ અને ડો.રામ મનોહર લોહીયા અવધ યુનિ. વચ્ચે કરાર થયા છે.

લગભગ ૧૦૦ ટુરીસ્ટ ગાઇડને ટ્રેનીંગ આપી તેમને ફરજ ઉપર મુકાશે. તેમની ટ્રેનીંગ જાન્યુઆરીના બીજા અઠવાડીયાથી શરૂ થશે. રામમંદિરના પાયાની ડીઝાઇનને લઇને હજુ પણ ટેકનીકલ તજજ્ઞો મંથન કરી રહ્યા છે. આ પહેલા મંદિરની રીટેનીંગ દીવાલનું કામ રવિવારથી શરૂ થશે. જ્યારે પાયાની ડીઝાઇન તૈયાર થઇ રહી છે. ત્યારે સમયનો ઉપયોગ કરી દીવાલનું કામ શરૂ કરાશે.

ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. અનિલ મિશ્રએ જણાવેલ કે એક બે દિવસામં રીટેનીંગ દિવાલનું કામ શરૂ થશે. મંદિરની ત્રણેય બાજુ દીવાલ બનાવીી ભુકંપ અને અન્ય પ્રાકૃતિક આપદાથી મંદિરને સુરક્ષીત કરાશે. દાન દેવા માટે વિદેશીઓએ રાહ જોવી પડશે. ટ્રસ્ટ દ્વારા ૧૫ જાન્યુઆરીથી દેશમાં  દાન લેવાનું શરૂ કરશે. હાલ એફસીઆરએ ન હોવાથી વિદેશમાંથી દાન ન લઇ શકાય.

વિદેશથી દાન લેવા માટે ટ્રસ્ટના ત્રણ વર્ષના ઓડીટ રીપોર્ટ રજુ કરવાના હોય છે. પણ ટ્રસ્ટને હજુ એક વર્ષ પણ ન થયું હોવાથી એફસીઆરએની અરજી થઇ શકે નહીં. જો કે આ અંગે ટ્રસ્ટેે કેન્દ્ર સરકાર પાસે નિયમમાં છુટની માંગ કરી છે. અરજીનો વિકલ્પ પણ ખુલ્લો છે પણ ટ્રસ્ટ તેમ કરશે નહીં તેવું ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવેલ. ઉપરાંત વિદેશમાં રહેતા ભારતીય પણ ત્યારે જ દાન આપી શકાશે. જ્યારે તેમનું ભારતીય બેંકમાં ખાતુ હોય અને તે આમાંથી જ દાન આપે.

(2:13 pm IST)