Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

૨૦ રૂપિયાની ગોળી વેચાય છે ૩૫-૪૦ રૂપિયામાં

કોરોનાની સારવારમાં મંજૂરી વગર વપરાય છે પેટના કીડા મારવાની દવા

નવી દિલ્હી તા. ૧૯ : કોરોનાની સારવારમાં વપરાઇ રહેલી એક દવા એવરમેકટીનના ભાવોમાં ભારે વધારો થયો છે. જો કે દેશમાં આ દવાને કોરોનાની સારવાર માટે મંજૂરી નથી મળી તેમ છતાં તેનો આડેધડ ઉપયોગ થઇ રહ્યો છે. પરિણામ સ્વરૂપે ભારે માંગના કારણે તેના ભાવો આસમાને પહોંચવા લાગ્યા છે. ઘણા મહિનાઓ પછી રાષ્ટ્રીય ઔષધી મૂલ્ય નિયંત્રણ પ્રાધિકરણ (એનપીપીએ) આ મુદ્દે સતર્ક થયું છે. તેણે કંપનીઓને દવાની કિંમતોમાં વધારા બાબતે નોટીસો ફટકારી છે.

એવરમેકટીન દવા મૂળ તો પેટના કીડા મારવાના કામમાં આવે છે. ઘણા દેશોમાં કોરોનાની સારવારમાં તેનો ઉપયોગ થઇ રહ્યો છે. તેનાથી કોરોનાના દર્દીઓને ફાયદો થતો હોવાના રિપોર્ટ પ્રકાશિત થયા પછી દેશમાં પણ હોસ્પિટલો તેનો ઉપયોગ કરવા લાગી છે. પણ કોરોનાની સારવાર માટે ૧૩ જૂને કેન્દ્ર સરકારે જે કલીનીકલ મેનેજમેન્ટ પ્રોટોકોલ બહાર પાડયા છે તેમાં આ દવાને સામેલ નથી કરાઇ. તેમ છતાં તેનો ઉપયોગ બહુ જ થઇ રહ્યો છે.

એક કેમીસ્ટે જણાવ્યું કે, લોકો બચાવ માટે પણ આ દવા લઇ રહ્યા છે. એટલે વેચાણ વધ્યું છે અને છેલ્લા છ મહિના દરમિયાન તેની કિંમતોમાં ભારે વધારો થયો છે. આ દવાની એક ગોળીની કિંમત ૨૦ રૂપિયાથી પણ ઓછી હતી પણ આજે તે ૩૫-૪૦ રૂપિયે વેચાઇ રહી છે. સામાન્ય રીતે દેશમાં દવાઓના ભાવ આટલા ઝડપી નથી વધતા પણ આ દવાની માંગ વધારે હોવાના લીધે કંપનીઓએ તેના ભાવમાં ભારે વધારો કર્યો છે.

સોશ્યલ મીડિયામાં આ દવાનો એક ફોટો પણ વાયરલ થયો છે. જેમાં દર્શાવાયું છે કે સપ્ટેમ્બરમાં દવાના એક પેકની કિંમત ૧૯૫ રૂપિયા હતી, જ્યારે ઓકટોબરમાં સીધી ૩૫૦ રૂપિયા થઇ ગઇ છે. કેમીસ્ટોનું કહેવું છે કે ઘણી નાની મોટી કંપનીઓ આ દવા બનાવે છે અને લગભગ બધી કંપનીઓ એ તેના ભાવ વધાર્યા છે.

આ બાબતે એનપીપીએનો સંપર્ક કરાયો તો તેના તરફથી જણાવવામાં આવ્યું કે, આ દવાના ભાવમાં આટલા બધા વધારાની નોંધ લેવામાં આવી છે અને દવા બનાવતી કિંમતોમાં ભારે વધારાનું કારણ પૂછવામાં આવ્યું છે. તેમનો જવાબ મળ્યા પછી પૂછપરછ, તપાસ કરવામાં આવશે. જો ભાવવધારો તર્કસંગત નહીં લાગે કાર્યવાહી કરવામાં આવશે.

(2:12 pm IST)