Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

કોરોનાની રસી નાગરિકોએ સ્વૈચ્છિક રીતે લેવાની રહેશેઃ ફરજ પડાશે નહીં

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જારી કરી માર્ગદર્શિકાઃ સમજાવી પ્રક્રિયા

નવી દિલ્હી, તા.૧૯: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં અપાનારી કોરોનાની રસી અન્ય દેશો દ્વારા વિકસાવાયેલી કોઈપણ રસી કરતાં અસરકારક હશે. જોકે દેશના નાગરિકોને કોરોનાની રસી લેવાની ફરજ પાડવામાં નહીં આવે. કોરોનાની રસી નાગરિકોએ સ્વૈચ્છિક રીતે લેવાની રહેશે. કોરોનાના સંક્રમણ સામે મજબૂત રોગ પ્રતિકારક શકિત વિકસાવવામાં મદદરૂપ થવા માટે ભૂતકાળમાં કોરોનાથી સંક્રમિત થયા હોય કે ન થયા હોય તેને ધ્યાનમાં લીધા વિના એન્ટિ કોરોના વાઇરસ વેકિસનના સંપૂર્ણ ડોઝ લેવા સલાહ ભર્યાં છે. કોરોનાની રસીનો બીજો ડોઝ લીધાના બે સપ્તાહ પછી વ્યકિતના શરીરમાં સંરક્ષણાત્મક સ્તરે એન્ટિબોડી વિકસે છે.   દેશના દરેક નાગરિકને કોરોનાની રસી લેવી ફરજિયાત છે? રસી લીધા પછી કેટલા સમયમાં એન્ટિબોડી ડેવલપ થાય છે? કોરોનામાંથી સાજા થયેલા દર્દીએ રસી લેવાની જરૂર છે? જેવા સવાલોનો જવાબ આપતાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, કોરોનાની રસી લેવી ફરજિયાત નથી. જોકે કોરોના સામે રક્ષણ માટે રસીના સંપૂર્ણ ડોઝ લેવા જરૂરી છે. કોરોનાની રસીના કારણે કોરોનાનું સંક્રમણ નિયંત્રિત થઈ શકે છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, હાલ વિવિધ વેકિસન કેન્ડિડેટની કિલનિકલ ટ્રાયલ વિવિધ તબક્કામાં ચાલી રહી છે.   બહુ ટૂંકાગાળામાં વેકિસન આવી રહી હોવાથી શું તે સુરક્ષિત છે? તેવા સવાલના જવાબમાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, રેગ્યુલેટરી સંસ્થાઓ દ્વારા મંજૂરી અપાયા બાદ જ દેશમાં કોરોનાની રસી અપાશે. કેટલાક લોકોમાં હળવો તાવ, દુખાવો જેવી આડઅસરો દેખાઈ શકે છે. રાજય સરકારોને વેકિસનની આડઅસરો સામે પગલાં લેવાની વ્યવસ્થા શરૂ કરી દેવાના આદેશ આપી દેવાયાં છે.

કોરોના રસીના સવાલો પર આરોગ્ય મંત્રાલયના જવાબ

સવાલઃ શું કોરોનાની રસી લેવી ફરજિયાત છે?

જવાબઃ ના, કોરોનાની રસી સ્વૈચ્છિક રીતે લેવાની છે.

સવાલઃ કોરોના સંક્રમિત વ્યકિતએ રસી લેવી પડશે?

જવાબઃ  બીજા સંક્રમિત ન થાય તે માટે કોરોનાની સારવારના ૧૪ દિવસ પછી રસી લેવી હિતાવહ.

સવાલઃ કોરોનામાંથી સાજા થયેલા વ્યકિત માટે રસી જરૂરી છે?

જવાબઃ સંક્રમિત થયા હો કે ન થયા હો પરંતુ રસી લેવી સલાહભર્યું છે.

સવાલઃ વ્યકિત કોરોનાની રસી લેવા માટે યોગ્ય છે કે નથી તે કેવી રીતે જાણી શકાય?

જવાબઃ  રસી માટે યોગ્ય વ્યકિતને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર સમય એ સ્થળ અંગે માહિતી અપાશે.

સવાલઃ રસી લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે?

જવાબઃ હા, કોરોનાની રસી લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

સવાલઃ રજિસ્ટ્રેશન માટે કયા દસ્તાવેજો જરૂરી?

જવાબઃ  ડ્રાઇવિંગ લાયસન્સ, હેલ્થ ઇન્શ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, મનરેગા જોબ  કાર્ડ, એમપી-એમએલએ દ્વારા જારી આઇકાર્ડ, પાન કાર્ડ, પાસબુક,  પાસપોર્ટ, પેન્શન કાર્ડ, ર્સિવસ આઇકાર્ડ, વોટર આઇડી.

સવાલઃ રસી લેતી વખતે ફોટો આઇડી જ જોઇશે?

જવાબઃ  રજિસ્ટ્રેશન વખતે રજૂ કરેલું ફોટો આઇડી રસી લેતી વખતે પણ રજૂ કરવું પડશે.

સવાલઃ અન્ય રોગોની દવા લેતી વ્યકિત રસી લઇ શકે?

જવાબઃ હા, હાઇ રિસ્ક કેટેગરીમાં આવતા રોગોની દવા લેતી વ્યકિત પણ રસી લઇ શકશે

સવાલઃ કોરોના વેકિસનની આડઅસર થાય તો?

જવાબઃ  સરકારે તમામ રાજયોને આડઅસરોને પહોંચી વળવા માટે વ્યવસ્થા કરવા જણાવ્યું છે.

આઇસીએમઆરના વડા બલરામ ભાર્ગવ કોરોના પોઝિટિવ, એમ્સમાં થયા ભરતી

ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઇસીએમઆર)ના વડા બલરામ ભાર્ગવનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં તેમને સારવાર માટે દિલ્હી એમ્સમાં દાખલ કરાયા છે. કોરોના સંબંધિત તમામ બાબતોના નિર્ણય તેમની દેખરેખ હેઠળ લેવામાં આવે છે. આઇસીએમઆરના નિયામક પહેલાં શુક્રવારે ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતનો કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. રાવતે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. તેઓ તબીબી સલાહ મુજબ હોમ આઇસોલેટ થયા છે. દેશમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો એક કરોડને પાર પહોંચી ચૂકયો છે.(

(2:10 pm IST)