Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

ફાઇઝરનું વેકસીન લીધા બાદ ૧૭ મીનીટમાં નર્સ બેભાન થઇ : પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઘટના બની

અમેરિકાના ટેનેસી શહેરની સીએઆઇ હોસ્પિટલની નર્સ મેનેજર ટીફેની ચક્કર આવતા બેશુધ્ધ બન્યા

ન્યુયોર્ક,તા. ૧૯ : અમેરિકાની એક હોસ્પિટલમાં નર્સ મેનેજર કોરોના વેકસીન લીધાની કેટલીક મીનીટમાં પ્રેસ કોન્ફરન્સમાં બેભાન થઇ ગઇ હતી. ફાઇઝરની કોવિડ-૧૯ વેકસીન લીધા બાદ ટીફેની ડોવર નામની નર્સ મેનેજર લાઇવ કેમેરા સામે જ સંતુલન ગુમાવી પડી ગઇ હતી. ત્યાં હાજર ડોકટરોએ તેને સંભાળી હતી. આ વીડીયો સોશ્યલ મીડીયામાં ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યો છે.

ટીફેની અમેરીકાના ટેનેસી શહેર સ્થિત સીએઆઇ હોસ્પિટલમાં પ્રેસને સંબોધી રહ્યા હતા. તેમણે વેકસીન લીધી હતી. તેઓ પત્રકારોના જવાબ આપી રહ્યા હતા ત્યારે તેમને ચક્કર આવી ગયા હતા. તેઓ જણાવેલ કે અમારો આખો સ્ટાફ વેકસીનને લઇને ઉત્સાહીત છે. અમે કોવિડ યુનિટ છીએ એટલે મારી ટીમને સૌથી પહેલા આ વેકસીનના ઉપયોગની તક મળેલ.

ત્યારબાદ તેઓ થોડા અસ્વસ્થ દેખાવા લાગેલ અને જણાવેલ કે મને ચક્કર આવે છે, આટલુ બોલતાની સાથે જ તેઓ સંતુલન ગુમાવી બેભાન થઇ જાય છે. જો કે ડોકટરોએ જણાવેલ કે આ કોરોના વેકસીન સાથે જોડાયેલ કેસ નથી. તેમની તાસીર છે કે જ્યારે તેઓ ખૂબ જ દર્દ અનુભવે છે ત્યારે બેભાન થઇ જાય છે. જો કે સ્વસ્થ થયા બાદ ટીફેનીએ વાતચીતમાં જણાવેલ કે મને અચાનક અનુભવ થયેલ કે હું ફરી એક વાર એ સ્થિતીમાં છું જ્યારે મારી હાલત ખરાબ થતી જાય છે. જો કે હવે હું એકદમ સ્વસ્થ અનુભવુ છું. મારા હાથનો દુઃખાવો પણ ચાલ્યો ગયો છે. રિપોર્ટ મુજબ ટીફેની વેકસીન લીધાના ૧૭ મીનીટ બાદ બેભાન થયેલ. ઉપરાંત સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શનના જણાવ્યા મુજબ ઘણા પ્રકારના વેકસીનના કારણે પણ આવું થાય છે અથવા દર્દ કે બેચેનીના લીધે પણ શકય છે.

(2:09 pm IST)