Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

અધ્યક્ષને લઇને થઇ શકે છે ચર્ચા

સિનિયર નેતાઓ સાથે સોનિયા ગાંધી કરશે મહત્વની બેઠક

નવી દિલ્હી તા. ૧૯ : કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ  પક્ષના સિનિયર નેતાઓની બેઠક બોલાવી છે. થોડા મહિના અગાઉ પક્ષના ૨૩ નેતાઓએ પક્ષની ચૂંટણી અને કાયમી પ્રમુખના મુદ્દે સોનિયાને પત્ર લખ્યા બાદ સિનિયર નેતાઓ સાથે આ પહેલી બેઠક હશે. જેમાં ખાસ કરીને પક્ષના અસંતુષ્ટ મનાતા સિનિયર નેતાઓ જોડે સોનિયા ગાંધી વિવિધ મુદ્દાની ચર્ચા કરશે.

થોડા દિવસો પહેલા શશી થરુરની આગેવાની હેઠળ કપિલ સિબલ, ગુલામ નબી આઝાદ વગેરે ૨૩ સિનિયર નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખીને પક્ષમાં ચૂંટણી યોજવાની અને કાયમી પ્રમુખ આપવાની માંગણી કરી હતી. આ પત્રના મુદ્દે કોંગ્રેસ કારોબારીમાં ખાસ્સી ખેંચતાણ થઇ હતી.

ગુલામ નબી આઝાદ જેવા નેતાઓ પર એવો પણ આક્ષેપ થયો હતો કે એ ભાજપ તરફી હતા. આઝાદની લાગણી આવા આક્ષેપથી દૂભાઇ હોવાનું સમજાતાં સોનિયાએ તેમને ફોન કરીને મનાવી લેવાના પ્રયાસ કર્યા હતા. ૨૦૨૧માં દેશના પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણી થવાની છે ત્યારે પક્ષના નવાજૂના બધા નેતાઓને મનાવી લઇને સાથે રાખવા જોઇએ.

તાજેતરમાં પક્ષના સિનિયર નેતા કમલ નાથે સોનિયાને રૂરૂ મળીને આ વાત સૂચવી હતી.. જેના પગલે સોનિયાએ શનિવારે બેઠક બોલાવી હોય એવી છાપ પડી રહી હતી. આ બેઠકમાં અન્ય મુદ્દાઓ પણ ચર્ચાશે એવું જાણવા મળ્યું હતું.

(11:04 am IST)