Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

૫ લાખ શહેરીજનોનુ થયુ ટેસ્ટીંગઃ ૧૨,૬૯૨ કેસ

આજે ૨૨ કેસ : ૪ મોત

આજ દિન સુધીમાં ૧૧,૬૬૭ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી : રિકવરી રેટ ૯૨.૦૮ ટકા થયો : શહેરમાં હાલ ૫૭ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન કાર્યરતઃ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૨૧૩૪ બેડ ખાલી

રાજકોટ, તા.૧૯:  વૈશ્વિક મહામારી કોરોનાથી રાજકોટ શહેર અને જીલ્લામાં આજે ૪ મોત થયા છે. જયારે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૨૨પોઝીટીવ કેસ નોંધાતા કુલ કેસનો આંક ૧૨,૬૯૨ થયો છે. અત્યાર સુધીમાં ૫ લાખથી વધુ લોકોનું ટેસ્ટીંગ થયુ છે.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ  શહેર અને જીલ્લામાં ગઇકાલે  કોરોનાથી એક પણ મૃત્યુ જાહેર કર્યુ નથી.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર દરમ્યાન ગઇકાલે તા.૧૮નાં સવારે ૮ વાગ્યાથી તા.૧૯ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં ૪ દર્દીઓએ દમ તોડી દીધા હતો.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમા ૨૧૩૪ બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે.

  • બપોર સુધીમાં ૨૨ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કુલ ૨૨ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૨,૬૯૨ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૧,૬૬૭  લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૯૨.૦૮ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૩૧૮૯ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૮૬ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૫૨ ટકા થયો  હતો. જયારે ૮૮  દર્દીઓને સાજા થયા હતા.

જયારે આજ દિન સુધીમાં ૫,૦૧,૪૩૬ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૨,૬૯૨ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૫૨ ટકા થયો છે.

  • નવા ૭ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં  ગઇકાલે લક્ષ્મી નગર-નાના મૌવા રોડ, પ્રહલાદ પ્લોટ, શાંતિ હાઇટસ- આકાશવાણી ચોક, ખોડીયાર પાર્ક-ભગવતી પરા, દ્વારકાધીશ સોસાયટી-મોરબી રોડ, પરસાણા નગર-જામનગર રોડ, પટેલ પાર્ક-૧ કોઠારિયા રોડ, પોપટ પરા સહિતના નવા ૭ વિસ્તારોમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જયારે હાલમાં ૫૭ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત છે.

(3:17 pm IST)