Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

સોનિયા ગાંધી પુત્ર મોહ છોડી દેશમાં લોકતંત્રને બચાવવા માટે પગલા લ્યે : તિવારી

રાહુલ ગાંધીમાં પક્ષને સંભાળવાની ક્ષમતા નથી : કોંગ્રેસને બચાવવા મોહ છોડવો જરૂરી

નવી દિલ્હી તા. ૧૯ : કોંગ્રેસ પાર્ટીની આજે મોટી બેઠક થવાની છે. આ બેઠક માટે બિહારમાં વિપક્ષી ગઠબંધનનુ નેતૃત્વ કરી રહેલ અને રાજદના વરિષ્ઠ નેતા શિવાનંદ તિવારીએ કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીને અપીલ કરી છે કે તે પુત્ર મોહનો ત્યાગ કરી દે અને લોકતંત્રને બચાવવામાં મહત્વનુ યોગદાન કરે. તેમણે કહ્યુ કે સોનિયા ગાંધી માટે હવે નિર્ણય લેવાનો સમય આવી ગયો છે, તેમણે પાર્ટી કે પુત્ર અથવા એમ કહો કે પુત્ર કે લોકતંત્રમાંથી કોઈ એકને પસંદ કરવાનો સમય આવી ગયો છે.

રાજદના વરિષ્ઠ નેતા અને બિહારના દિગ્ગજ સમાજવાદી શિવાનંદ તિવારીએ આ સાથે જ રાહુલ ગાંધીને એક 'અનિચ્છુક અને ઉદાસ' નેતા ગણાવ્યા છે. રાજદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શિવાનંદ તિવારીએ કહ્યુ, 'કોંગ્રેસ પાર્ટીની મહત્વની બેઠક થવા જઈ રહી છે. મને નથી ખબર કે આનુ પરિણામ શું થવાનુ છે પરંતુ એટલુ તો સ્પષ્ટ છે કે કોંગ્રેસની હાલત અત્યારે સુકાન વિનાની નાવ જેવી થઈ ગઈ છે. કોઈ પણ આનો તારણહાર નથી.' શિવાનંદ તિવારીએ કહ્યુ કે એ વાત એકદમ સ્પષ્ટ થઈ ચૂકી છે કે રાહુલ ગાંધીમાં લોકોને ઉત્સાહિત કરવાની ક્ષમતા નથી. જનતાની વાત તો છોડો, તેમની પાર્ટીના લોકોને જ હવે રાહુલ ગાંધી પર કોઈ વિશ્વાસ નથી.. માટે લોકો કોંગ્રેસ પાર્ટીથી હવે મોઢુ ફેરવી રહ્યા છે.

સોનિયા ગાંધી વિશે શિવાનંદ તિવારીએ કહ્યુ કે તબિયત ખરાબ થયા બાદ પણ સોનિયા ગાંધી કામચલાઉ અધ્યક્ષ તરીકે ગમે તેમ કરીને પાર્ટીને ખેંચી રહ્યા છે. હું તેમનુ ખૂબ સમ્માન કરુ છુ. મને યાદ છે કે સીતારામ કેસરીના જમાનામાં ડૂબતી પાર્ટીને સોનિયા ગાંધીએ કેવી રીતે સંભાળી હતી અને પાર્ટીને ફરીથી સત્તા પર પહોંચાડી દીધી હતી. શિવાનંદ તિવારીએ કહ્યુ કે સોનિયા ગાંધીના વિદેશી મૂળ વિશે એ વખતે ઘણો હોબાળો થયો હતો. ભાજપની વાત તો છોડો.. કોંગ્રેસ પાર્ટીમાં પણ તેમના નેતૃત્વ પર લોકોએ ભરોસો નહોતો કર્યો. અહીં સુધી કે શરદ પવારે પણ સોનિયા ગાંધીના વિદેશી મૂળના કારણે પાર્ટી છોડી દીધી હતી.

(9:53 am IST)