Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

ડરથી કંપી રહ્યું છે પાકિસ્તાન

ભારત ફરીથી કરી શકે છે સર્જિકલ સ્ટ્રાઇક : કુરેશી

નવી દિલ્હી,તા. ૧૯: ભારતીય સેનાની શકિતનો ખોફ પાકિસ્તાનમાં એટલો જોવામાં આવે છે કે આજે પણ આ દેશ સર્જિકલ સ્ટ્રાઈકના નામથી કંપી રહ્યો છે. પાકિસ્તાનને આજે પણ આશંકા છે કે ભારત તેના પર સર્જિકલ સ્ટ્રાઈક કરી શકે છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ ગઇ કાલે UAEમાં કહ્યું કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓને એવી માહિતી મળી છે કે ભારત તેના પર સર્જિકલ સ્ટ્રાઇક કરી શકે છે.

વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ કહ્યું કે તેમને વિશ્વસનીય સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે ભારત તેના આંતરિક મામલાઓથી ધ્યાન હટાવવા માટે પાકિસ્તાન સામે સર્જિકલ સ્ટ્રાઈક કરવાની યોજના બનાવી રહ્યું છે.

તમને જણાવી દઇએ કે, પાકિસ્તાની વિદેશ મંત્રી બે દિવસીય મુલાકાત પર UAEમાં છે. તેમણે આ નિવેદન અબુધાબીમાં એક પત્રકાર પરિષદમાં આપ્યું હતું. પાક વિદેશ મંત્રીએ કહ્યું કે અમે દુનિયાને યાદ અપાવીએ છીએ કે શાંતિ એક સામૂહિક જવાબદારી છે. ભારત તેની સ્થાનિક મુશ્કેલીઓથી ધ્યાન હટાવવા પ્રયાસ કરી રહ્યું છે અને તે અમને અસ્થિર કરવા માંગે છે. અમે અપીલ કરીએ છીએ કે વિશ્વ તેને આવું કરવાથી રોકે.

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જયારે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત વિરુદ્ઘ કોઈ નિવેદન આપ્યું છે. તાજેતરમાં જ એક પાકિસ્તાની અખબારે સૈન્યને ટાંકીને લખ્યું છે કે, દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનથી લોકોનું ધ્યાન હટાવવા માટે પાકિસ્તાન વિરુદ્ઘ કાવતરું દ્યડી શકે છે, તેથી પાકિસ્તાન સૈન્ય એલર્ટ છે.

(9:50 am IST)