Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

રેલ્વેની આવકમાં ૮૭ ટકાનું જંગી ગાબડુ

ગયા વર્ષે રૂ. ૫૩૦૦૦ કરોડની આવક સામે આ વખતે આવક માત્ર ૪૭૦૦ કરોડ

નવી દિલ્હી,તા. ૧૯: કોરોનાના કારણે લાગુ થયેલા લોકડાઉન અને બાદમાં કોરોનાના કહેરના કારણે ભારતીય રેલવેને અકલપ્નીય આર્થિક નુકસાન થયુ છે.

રેલવેના સીઈઓ અને ચેરમેન વી કે યાદવના કહેવા પ્રમાણે કોરોનાના કારણે ગયા વર્ષની સરખાણમીએ આ વર્ષે રેલવેની આવકમાં ૮૭ ટકાનો ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષે રેલવેની આવક ૫૩૦૦૦ કરોડ રૂપિયા હતી અને આ વખતે માત્ર ૪૭૦૦ કરોડ રૂપિયા રેલવેની આવક થઈ છે.

કેગ દ્વારા પોતાની રિપોર્ટમાં ગયા વર્ષે પણ કહેવામાં આવ્યુ હતુ કે, ૨૦૧૭-૧૮માં ભારતીય રેલવે દ્વારા ૯૮.૪૪ રુપિયાનો ખર્ચ કરવામાં આવે ત્યારે તે ૧૦૦ રુપિયા આવક મેળવે છે.

લોકડાઉનના કારણે રેલવેને પેસેન્જર ટ્રેનો થકી થતી આવકમાં મોટો ફટકો વાગ્યો છે. કારણ કે, હજી પણ આ ટ્રેનો પૂરેપૂરી સંખ્યામાં ચાલી રહી નથી.

રેલવે ચેરમેન વી કે યાદવનુ કહેવુ છે કે, હાલમાં રોજ ૧૦૦૦ ટ્રેનો દોડી રહી છે પણ કોરોના પહેલા રોજ ૧૭૦૦ ટ્રેનો દોડાવાતી હતી. જોકે, રેલવે માટે સારી વાત એ છે કે, રેલવે દ્વારા થતી સામાનની હેરાફેરીમાં વધારો થઈ રહ્યો છે. ગયા વર્ષ કરતા ૧૦ ટકા વધારે સામાન રેલવે દ્વારા હેરફેર થાય તેવો અંદાજ છે. તદ્ઉપરાંત ઈકોનોમી ફરી પાટે ચઢી રહી છે ત્યારે કોલસા, લોખંડ તેમજ ફર્ટિલાઈઝરની ગૂડઝ ટ્રેન દ્વારા થતી હેરફેરમાં વધારો પણ થઈ રહ્યો છે.

(9:50 am IST)