Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

જીએસટી રીટર્ન એક દિવસ મોડું ભર્યું તો ક્રેડિટનો લાભ એક માસ પછી મળશે

૧૧ તારીખ પહેલા જીએસટીઆર-૧ ભરાયું હશે તો જ ક્રેડિટનો લાભ

મુંબઇ,તા. ૧૯: વેપારીએ ખરીદ અને વેચાણ કરેલા માલ પેટે ભરપાઈ કરવાનો થતો જીએસટી દર મહિનાની ૧૧ તારીખ પહેલાં ભરી દેવાનો હોય છે. જયારે હવે એક દિવસ પણ વેપારીએ રીટર્ન ભરવામાં મોડુ કર્યો તો સામેવાળા વેપારીને ક્રેડિટનો લાભ એક મહિના પછી મળવાનો છે. તેના કારણે વેપારી સમયસર રીટર્ન ભરે છે કે નહીં તેની કાળજી માલ ખરીદનાર વેપારીએ રાખવી પડશે.

જીએસટી પોર્ટલ પર છેલ્લા થોડા સમયથી જીએસટીઆર રબીની સુવિધા શરુ કરવામાં આવી છે. આ સુવિધાને કારણે વેપારીને કેટલા રૂપિયાની ક્રેડિટ મળશે તે સહિતની જાણકારી મળી રહે તથા બોગસ બિલિંગ કરનારાઓ સામે કાર્યવાહી થાય તેવા આશયથી તેની શરૂઆત કરવામાં આવી છે. જોકે, આ સુવિધા શરૂ કરવાના કારણે વેપારીઓની સમસ્યામાં વધારો થવાનો છે. કારણ કે વેપારીએ જેની પાસેથી પણ માલની ખરીદી કરી હશે તે વેપારીએ ૧૧ તારીખ પહેલાં જીએસટીઆર ૧ ભરી દેવાનુ રહેશે. વેપારીએ ૧૧ તારીખના બદલે ૧૨ તારીખે પણ જીએસટીઆર ૧ લેટ ફી સાથે ભર્યો તો પણ સામેવાળા વેપારીને ક્રેડિટનો લાભ મળશે નહીં. કારણ કે એક દિવસ મોડું રીટર્ન ભરવાને કારણે જીએસટીઆર રબીના ટેબલમાં એક દિવસ મોડા ભરેલા રીટર્ન અને તેની રકમ દેખાશે જ નહીં. જેથી સામેવાળા વેપારીએ ક્રેડિટ લેવા માટે એક મહિનાની રાહ જોવી પડશે. આ નિયમને કારણે વૈપારીની ક્રેડિટ વિભાગમાં જમા હોવા છતાં વધારાની ક્રેડિટ લઈ શકશે નહીં. તેમ છતાં વેપારીએ વધારાની ક્રેડિટ લીધી તો સિસ્ટમ પર જ લાલ રંગ દર્શાવશે અને વધારાની ક્રેડિટ લેવા બદલ વેપારીને નોટિસ પણ મળી શકે છે.

આ અંગે સીએ અતીત દિલીપ શાહે જણાવ્યું હતું કે વેપારીએ ખરીદેલા માલની તમામ ક્રેડિટ લેવા માટે જેની પાસેથી માલની ખરીદી કરી હોય તે સમયસર રીટર્ન ભરે તેનું ધ્યાન રાખવું પડશે. નહીં તો ક્રેડિટ જમા હોવા છતાં જીએસટીની રકમ ભરવાની સ્થિતિ ઊભી થઈ શકે છે.

(9:48 am IST)