Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

વિરોધપક્ષો ખેડૂતોના ખભે બંદૂક રાખીને વાર કરી રહ્યા છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

કૃષિ કાયદાનો વિરોધ કરતા વિરોધ પક્ષો પર વડાપ્રધાનના પ્રહાર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમએસપી અને સ્વામીનાથન કમિટી, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સહિતના તમામ મુદ્દે ખુલાસા કર્યા : ભ્રમ અને જુઠ્ઠાણા ફેલાવવાનો આક્ષેપ

નવી દિલ્હી, તા. ૧૮ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ ક્ષેત્રમાં લાગુ કરેલા નવા કાયદાનો વિરોધ કરી રહેલા દેશના રાજકીય પક્ષોનો બરાબરનો ઉધડો લીધો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે, આ જ રાજકીય પક્ષો પોતાના ચૂંટણી ઢંઢેરામાં આ જ પરિવર્તનની વાત કરતા હતાં, પરંતુ આજે અમારી સરકારે તે કરી બતાવ્યું તો વિરોધીઓને ભારે પીડા થઈ રહી છે. પીએમ મોદીએ એમએસપી અને સ્વામીનાથન કમિટી, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સહિતના તમામ મુદ્દે ખુલાસા કર્યા હતાં.

પીએમ મોદીએ આંદોલન કરી રહેલા ખેડૂતો અને નવા કૃષિ કાયદાને લઈને કહ્યું હતું કે, જે રાજકીય પક્ષો વર્ષોથી પોતાના ચૂંટણી ઢંઢેરામાં આ સુધારાની વાતો કરતા આવ્યા છે તે જ સુધારા અમારી સરકારે કર્યા છે. પરંતુ મને લાગે છે કે, તેમને આ કાયદામાં કરેલા સુધારથી કોઈ વાંધો નથી પણ મોદી આ કામનો જશ લઈ જાય છે તેને લઈને તેમને પેટમાં દુખી રહ્યું હોય તેમ લાગે છે. આ નવા કૃષિ કાયદાનો જશ વિરોધ પક્ષો લઈ લે પણ કાયદાનો અમલ થવા દે તેવી અપીલ પીએમ મોદીએ કરી હતી.

વડાપ્રધાને વિરોધ પક્ષોને આડેહાથ લેતા કહ્યું હતું કે, તેઓ ખેડૂતોને ભોળવીને ગેરમાર્ગે દોરવાનું છોડે. તેમણે કહ્યું હતું કે, ભ્રમ અને જુઠ્ઠાણાની જાળ બિછાવીને રાજકીય જમીન મજબુત બનાવવા આખો ખેલ ખેલાઈ રહ્યો છે. ખેડૂતોના ખભે બંદૂક રાખીને વાર કરવામાં આવી રહ્યા છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, સરકાર વારંવાર પૂછી રહી છે, ખેડૂતોને કાયદામાં કઈ જોગવાઈમાં સમસ્યા છે, તો આ રાજકીય પક્ષો પાસે કોઈ નક્કર જવાબ નથી હોતો. આ જ આ પક્ષોની સચ્ચાઈ છે. આપણા દેશમાં ખેડૂતો સાથે ભ્રષ્ટાચારનું મોટું ઉદાહરણ છે કોંગ્રેસ સરકારો દ્વારા કરાયેલી દેવામાફી. જ્યારે ૨ વર્ષ પહેલા મધ્ય પ્રદેશમાં ચૂંટણી થવાની હતી ત્યારે તો ૧૦ દિવસની અંદર કરજમાફીનું વચન અપાયું હતું. તો કેટલા ખેડૂતોના કરજ માફ થયા?

તેમણે કહ્યું હતું કે, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ કેવા કેવા બહાના કાઢવામાં આવ્યા તે મધ્ય પ્રદેશના ખેડૂતો મારા કરતા પણ વધુ સારી રીતે જાણે છે. રાજસ્થાનના લાખો ખેડૂતો પણ આજ સુધી કરજમાફીની રાહ જોઈ રહ્યા છે. ખેડૂત વિચારતો હતો કે હવે તો પૂરેપૂરું કરજ માફ થઈ જશે. પરંતુ બદલામાં તેમને મળવા લાગી બેક્નોની નોટિસ અને ધરપકડના વોરન્ટ. કરજમાફીનો સૌથી મોટો લાભ કોને મળતો હતો? માત્ર વિરોધ પક્ષના નજીકના લોકોને. અમારી સરકારે જે પીએમ કિસાન યોજના શરૂ કરી તેમાં દર વર્ષે ખેડૂતોને લગભગ ૭૫ હજાર કરોડ રૂપિયા મળશે. એટલે કે ૧૦ વર્ષમાં લગભગ સાડા ૭ લાખ કરોડ રૂપિયા. ખેડૂતોના બેક્ન ખાતાઓમાં સીધી ટ્રાન્સફર. કોઈ લીકેજ નહીં, કોઈને કોઈ કમીશન નહી.

પીએમ મોદીએ કહ્યું હતું કે, ઝડપથી બદલાતા વૈશ્વિક પરિદ્રશ્યમાં ભારતના ખેડૂત સુવિધાઓના અભાવમાં, આધુનિક પદ્ધતિઓના અભાવમાં નિસહાય બનતા ગયા. પરંતુ હવે આ સ્થિતિ સ્વીકાર્ય નથી. પહેલેથી જ બહુ મોડું થઈ ગયું છે. જે કામ ૨૫-૩૦ વર્ષ પહેલા થવું જોઈતું હતું, તે છેક હવે થઈ રહ્યું છે. ભારતની કૃષિ, ભારતના ખેડૂત હવે વધુ પાછળ રહી શકે નહીં. દુનિયાના મોટા મોટા દેશોના ખેડૂતોને જે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે તે સુવિધા ભારતના ખેડૂતોને પણ મળે. તેમાં હવે વધુ મોડું થઈ શકે નહી.

વડાપ્રધાને મધ્ય પ્રદેશના ખેડૂતો સાથે વાતચીત કરતા નવા કૃષિ કાયદાનો થઈ રહેલા વિરોધનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ખરેખર તો દેશના ખેદૂતોએ એ લોકો પાસેથી જવાબ માંગવો જોઈએ જે પહેલા પોતાના ચૂંટણી ઢંઢેરામાં આ સુધારાઓની વાતો કરતા હતાં. ખેડૂતોના વોટ લઈ જતા હતાં, પરંતુ ખેડૂતો માટે કરતા કશું જ નહીં. ખાલી ખેડૂતોની માંગણીઓને ટાળતા રહ્યાં. દેશનો ખેડૂત વર્ષો સુધી રાહ જોતો રહ્યો. જો આજે દેશના તમામ રાજકીય પક્ષોના જુના ચૂંટણી ઢંઢેરા પર નજર નાખવામાં આવે, તેમના જુના નિવેદનો પર નજર નાખવામાં આવે, પહેલા જે દેશની કૃષિ વ્યવસ્થા સંભાળી રહ્યાં હતાં તેમની તેમના પત્રો જોવામાં આવે તો આજે જે કૃષિ સુધાર થયા છે તે તેનાથી કંઈ જુદા નથી.

વિરોધ પક્ષો પર પ્રહારો કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ખેડૂતોની વાત કરનારા લોકો કેટલા નિર્દયી છે, તેનો મોટો પુરાવો છે સ્વામીનાથન કમિટીનો રિપોર્ટ. આ લોકો સ્વામીનાથન કમિટીની ભલામણો ૮ વર્ષ સુધી દબાવીને બેઠા. ખેડૂત આંદોલન કરતા હતા, પ્રદર્શન કરતા હતા પરંતુ આ લોકોના પેટનું પાણી પણ ન હલ્યું. રિપોર્ટ આવી ગયો પણ આ લોકો સ્વામીનાથ કમિટીની ભલામણોને આઠ વર્ષ સુધી દબાવીને બેસી રહ્યાં. ખેડૂતો આંદોલન કરતા હતાં, પ્રદર્શનો કરતા હ્તાં પણ એ લોકોના પેટનું પાણી પણ નહોતુ હલતુ. વિરોધ પક્ષોએ તેમની સરકારના કાર્યકાળમાં ખેડૂતો પર કંઈ ખાસ ધનરાશિ ખર્ચ કરી જ નથી. તેમને ખેડૂતોને દેશની શાન માટે નહીં પણ પોતાના રાજકીય રોટાલા શેકવા માટે ખેડૂતોનો ઉપયોગ કર્યો.

પીએમ મોદીએ કહ્યું હતું કે, હું વિશ્વાસ સાથે કહું છું કે, મે હાલમાં જે કૃષિ સુધાર કર્યા તેમાં અવિશ્વાસનું કારણ જ નથી, જૂઠ્ઠાણા માટે કોઈ જગ્યા જ નથી. સ્વામીનાથન કમિટીનો રિપોર્ટ લાગુ કરવાનું કામ અમારી સરકારે  કર્યું. જો અમારે એમએસપી હટાવવી જ હોત તો સ્વામીનાથનનો રિપોર્ટ શું કામ લાગુ કરત? અમારી સરકાર એમએસપી અંગે એટલી ગંભીર છે કે દર વખતે, વાવણી પહેલા એમએસપીની જાહેરાત કરે છે. જેનાથી ખેડૂતોને પણ સરળતા રહે છે, તેમને પહેલેથી ખબર પડી જાય છે કે આ પાક પર આટલી એમએસપી મળવાની છે.

(12:00 am IST)