Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

વર્ષ ૨૦૨૪ સુધીમાં ટ્રેનમાં વેઈટિંગ લિસ્ટ દૂર કરી દેવાશે

માગ આધારિત પેસેન્જર ટ્રેન ચલાવવાની યોજના : રેલવેએ વિઝન ૨૦૨૪ હેઠળ ૨૦૨૪ સુધી ફ્રેટ મૂવમેન્ટ ૨૦૨૪ મિલિયન ટન સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક રાખ્યું

નવી દિલ્હી, તા. ૧૮ : રેલવે માગ આધારિત પેસેન્જર ટ્રેન ચલાવવાની યોજના ઘડી રહી છે અને તેમનો વર્ષ ૨૦૨૪ સુધીમાં વેઈટિંગ લિસ્ટની જોગવાઈને ખતમ કરવાનો પ્લાન છે. સાથે જ રેલવે ફ્રેટ (માલભાડું) મૂવમેન્ટમાં પોતાની હિસ્સેદારી હાલ ૨૭ ટકાથી વધારીને વર્ષ ૨૦૩૦ સુધીમાં ૪૫ ટકા સુધી પહોંચાડવાની યોજના છે. આ તમામ નેશનલ રેલ પ્લાનનો હિસ્સો છે. સાથે જ રેલવેએ વિઝન ૨૦૨૪ હેઠળ વર્ષ ૨૦૨૪ સુધી ફ્રેટ (માલભાડું) મૂવમેન્ટ ૨૦૨૪ મિલિયન ટન પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે જે વર્ષ ૨૦૧૯માં ૧૨૧૦ મિલિયન ટન હતું. ગત વર્ષે ટોટલ નેશનલ ફ્રેટ (માલભાડું) ૪૭૦૦ મિલિયન ટન હતું જેમાં રેલવેનો હિસ્સો ૨૭ ટકા હતો.

           ઈન્ડિયન રેલવેએ ૨૦૨૬ સુધીમાં નેશનલ ફ્રેટ (માલભાડું) મૂવમેન્ટને ૬૪૦૦ મિલિયન ટન પહોંચાડવાનું અનુમાન લગાવ્યું છે. રેલવે બોર્ડ ચેરમેન વીકે યાદવે શુક્રવારે મીડિયાને જણાવ્યું કે આ માટે ૨.૯ લાખ કરોડ રૃપિયાનો મૂડી ખર્ચ જોઈએ. અમે નેશનલ રેલ પ્લાન વિશે સ્ટેકહોલ્ડરની સલાહ લઈશું અને આશા છે કે એક મહિનામાં તેને અંતિમરૃપ આપવામાં આવશે. તેમણે કહ્યું કે આ સાથે જ ઓપરેટિંગ કોસ્ટને ઓછી કરવામાં આવશે અને ફ્રેટ (માલભાડું)ના ટેરિફને વ્યવહારિક બનાવવામાં આવશે. યાદવે કહ્યું કે રેલવેએ તમામ મહત્વની પરિયોજનાઓને વર્ષ ૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરવા માટેનું ફંડ એકત્રિત કરવાની વ્યવસ્થા કરી છે. કોરોના વાયરસની મહામારીના કારણે ઘણાં મહિનાથી રેલ ટેરિફ બંધ હોવાથી પેસેન્જર ટ્રેન રેવન્યુમાં ભારે નુકસાન થયું છે. આ વર્ષે પેસેન્જર રેવન્યુના ૧૫૦૦૦ કરોડ રૃપિયા રહે તેવું અનુમાન છે જે ગત વર્ષે ૫૩ હજાર કરોડ રૃપિયા હતી. આ વર્ષે અત્યાર સુધી પેસેન્જર ટ્રેન રેવન્યુ ૪૬૦૦ કરોડ રૃપિયા છે. પરંતુ, ફ્રેટ (માલભાડું) રેવન્યુ અને લોડિંગમાં ૧૦ ટકા તેજીનું અનુમાન છે.

(12:00 am IST)