Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

રાઈટ ટૂ હેલ્થ વ્યક્તિનો મૌલિક અધિકાર, સસ્તી સારવાર કરો

દેશની વડી અદાલતની ઐતિહાસિક ટિપ્પણ : કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારોને કડકાઈથી કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરાવવાનો નિર્દેશ આપ્યો

નવી દિલ્હી, તા. ૧૮ : સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક ઐતિહાસિક ટિપ્પણી કરતા આરોગ્યને મૌલિક અધિકાર જણાવ્યો કોર્ટે કહ્યું કે, રાઈટ ટુ હેલ્થ મૌલિક અધિકાર છે. સરકાર સસ્તી સારવારની વ્યવસ્થા કરે. તે સાથે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને બધી રાજ્ય સરકારોને કડકાઈથી કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરાવવાનો નિર્દેશ આપ્યો. કોર્ટે કોરોના હોસ્પિટલોની ફાયર સેફ્ટીને પણ સુનિશ્ચિત કરવા કહ્યું.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દેશભરના રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો કોવિડ ગાઈડલાઈન્સનું કડકાઈથી પાલન કરે. કોર્ટે સરકારોને બધી કોરોના હોસ્પિટલોની ફાયર સેફ્ટી સુનિશ્ચિત કરવા કહ્યું. તાજેતરમાં જ ગુજરાતની એક કોરોના હોસ્પિટલમાં આગ લાગવાથી દર્દીઓના થયેલા મોતની ઘટનાને કોર્ટે ગંભીરતાથી લીધી હતી. કોર્ટે કહ્યું કે, જે હોસ્પિટલે હજુ સુધી ફાયર એનઓસી નથી લીધી, તે તાત્કાલિક લે. જો ચાર સપ્તાહની અંદર ફાયર ઓનઓસી ન લે તો રાજ્ય સરકાર તેમની સામે એક્શન લે. કોર્ટે ફાયર સેફ્ટી માટે દરેક રાજ્યને એક નોડલ અધિકારી નિમવા કહ્યું છે, જે હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી ઓડિટ કરશે.

તે ઉપરાંત સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દિશાનિર્દેશો અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર લાગુ ન થવાથી કોવિડ-૧૯ મહામારી 'જંગલની આગ'ની જેમ ફેલાઈ ગઈ છે. કોર્ટે કહ્યું કે, અભૂતપૂર્વ મહામારીના કારણે દુનિયાભરમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે પ્રભાવિત થઈ રહી છે. આ કોવિડ-૧૯ વિરુદ્ધ વિશ્વ યુદ્ધ છે. ટોપ કોર્ટે એમ પણ કહ્યું કે, કર્ફ્યૂ કે લોકડાઉન લાગુ કરવાના કોઈપણ નિર્ણયની પહેલા જાહેરાત કરવી જોઈએ, જેથી લોકો પોતાની આજીવિકા માટે વ્યવસ્થા કરી શકે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ,સતત ૮ મહિનાથી કામ કરી રહેલા પહેલી હરોળના આરોગ્યકર્મીઓ થાકી ગયા છે, તેમને આરામ આપવા માટે કોઈ વ્યવસ્થાની જરૃર છે. સાથે જ રાજ્યોએ સફળતાપૂર્વક કાર્યવાહી કરવી જોઈએ અને કેન્દ્રની સાથે સૌહાર્દપૂર્ણ રીતે મળીને કામ કરવું જોઈએ, નાગરિકોની સુરક્ષા અને સ્વાસ્થ્ય પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ.

(12:00 am IST)