Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

ખોટા પડયા મોટા ભાગના એકિઝટ પોલ

કોઇકે BJPને ૧૧૫ તો કોંગ્રેસને માત્ર ૬૫ સીટ આપી હતી

નવી દિલ્હી તા. ૧૯ : એકિઝટ પોલ બહાર પડ્યા ત્યારે ભલે બધાએ BJPની જીત પાક્કી હોવાની આગાહી કરી હતી જે સાચી પડી છે, પણ BJP કેટલા માર્જિનથી જીતશે એનું અનુમાન એકેય એકિઝટ પોલ લગાવી શકયા નહોતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના હોમગ્રાઉન્ડ પર મોટા ભાગના એકિઝટ પોલે BJPને ફાળે ગુજરાત વિધાનસભાની ૧૧૦થી વધુ બેઠકો જશે એવું અનુમાન લગાવ્યું હતું, પરંતુ BJPની ૧૮૨ સભ્યોની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એ માત્ર ૯૯ બેઠકો જ મેળવી શકી હતી.

૬૮ બેઠકોવાળી હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પણ એકિઝટ પોલનું અનુમાન BJP ૫૦થી વધુ બેઠકો જીતશે એવું હતું જે ખોટું પડ્યું છે. ચૂંટણીપંચે બહાર પાડેલા ફાઇનલ આંકડા મુજબ ગુજરાત વિધાનસભામાં BJPએ ૯૯ બેઠકો પોતાના નામે કરી છે, જયારે કોન્ગ્રેસના ભાગે ૭૭ બેઠકો આવી છે. બધાં જ મીડિયાહાઉસના એકિઝટ પોલે BJP ૧૧૦થી વધુ બેઠકો જીતશે એવી આગાહી કરી હતી. ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણી દરમ્યાન BJPએ ૧૧૫ બેઠકો પર જીત હાંસલ કરી હતી.

'ટુડે'ના એકિઝટ પોલ ચાણકયએ BJP ૧૩૫ જેટલી બેઠકો જીતશે એવી આગાહી કરી હતી, જયારે કોન્ગ્રેસ માત્ર ૪૭ બેઠકો પર જ જીત મેળવશે એવી આગાહી કરી હતી. ૪૭ બેઠકો એટલે કોન્ગ્રેસ હાલમાં ગુજરાત વિધાનસભામાં જેટલી બેઠકો ધરાવે છે એના કરતાં ૧૪ ઓછી બેઠકો પર જીતશે એવી આગાહી કરી હતી. જોકે ચૂંટણીપંચે જણાવ્યા અનુસાર એકિઝટ પોલનું BJPને ૪૯ ટકા વોટશેર મળશે એવું અનુમાન સાચું ઠર્યું હતું. BJPનો વોટશેર આ ચૂંટણીમાં ૪૯.૧ ટકા રહ્યો હતો.

'ટાઇમ્સ નાવ'ના VMR એકિઝટ પોલે BJPને ૧૧૭ જયારે કોન્ગ્રેસને ૬૪ બેઠકો મળશે એવી આગાહી કરી હતી, જયારે બાકીની બેઠકો અન્યો જીતશે એવી આગાહી કરી હતી. 'ABP'ના CSDS એકિઝટ પોલ અનુસાર BJPને ૧૧૭ બેઠકો મળવાની શકયતા હતી, જયારે કોન્ગ્રેસના ભાગે આ એકિઝટ પોલ અનુસાર ૬૪ બેઠકો જવાની હતી. 'NDTV'ના એકિઝટ પોલ મુજબ BJPને ૧૧૨ જયારે કોન્ગ્રેસને ૭૦ બેઠકો મળે એવી સંભાવના હતી. 'ઇન્ડિયા ટુડે'ના 'આજ તક'ના એકિઝટ પોલે BJP ૯૯થી ૧૧૩ વચ્ચે બેઠકો મેળવશે એવી આગાહી કરી હતી. આ એકમાત્ર ચેનલ હતી જેણે BJPને ૧૦૦ કરતાં ઓછી બેઠકો મળશે એવી શકયતા દર્શાવી હતી. કોન્ગ્રેસને આ ચેનલે ૬૨થી ૮૨ બેઠકો મળશે એવું જણાવ્યું હતું. 'ન્યુઝ એકસ'ના એકિઝટ પોલે BJP ૧૧૦થી ૧૨૦ બેઠકો અને કોન્ગ્રેસ ૬૫થી ૭૫ બેઠકો જીતી શકે એવી આગાહી કરી હતી અને અન્યોને બેથી ચાર બેઠકો મળશે એવું જણાવ્યું હતું. જયારે 'ન્યુઝ નેશન'ના એેકિઝટ પોલે BJPને ૧૨૪થી ૧૨૮ બેઠકો, કોન્ગ્રેસને બાવનથી ૫૬ બેઠકો અને અન્યોને ૧થી ૩ બેઠકો મળવાની આગાહી કરી હતી. 'ઇન્ડિયા ટીવી'ના VMRના સર્વે મુજબ BJPને ૧૦૮થી ૧૧૮ બેઠકો મળે એવી શકયતા હતી, જયારે 'રિપબ્લિક - સી વોટર' એકિઝટ પોલે BJPને ફાળે ૧૦૮ બેઠકો અને કોન્ગ્રેસને ૭૪ બેઠકો મળશે એવું અનુમાન લગાવ્યું હતું.

હિમાચલ પ્રદેશમાં BJPએ ૬૮ બેઠકોની વિધાનસભાની ચૂંટણીમાં ૪૪ બેઠકો જીતીને કોન્ગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી હતી. આ ચૂંટણીમાં કોન્ગ્રેસ ૨૦ બેઠકો પર જીતી હતી. હિમાચલ પ્રદેશની ચૂંટણી માટે 'ટુડે'ના ચાણકય એકિઝટ પોલે BJPને પંચાવન બેઠકો અને સત્તાધારી કોન્ગ્રેસને ૧૩ બેઠકો મળશે એવી ધારણા વ્યકત કરી હતી. 'ટાઇમ્સ નાવ' VMR અને 'ઝી ન્યુઝ' એકિઝટ પોલ્સ દ્વારા BJP અહીં ૫૧ બેઠકો પર વિજય મેળવશે એવો અંદાજ વ્યકત કરવામાં આવ્યો હતો. 'ટાઇમ્સ નાવ' VMRએ હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં કોન્ગ્રેસને ૧૬ જયારે 'ઝી ન્યુઝ' એકિસસે કોન્ગ્રેસને ૧૭ બેઠકો મળશે એવો અંદાજ વ્યકત કર્યો હતો. 'આજ તક' એકિસસ એકિઝટ પોલે અહીં BJPને ૪૭થી પંચાવન બેઠકો મળશે એવી અને કોન્ગ્રેસને ૧૩થી ૨૦ બેઠકો પર વિજય મળશે એવી આગાહી કરી હતી. અન્યોને આ એકિઝટ પોલના મતે બે બેઠક મળવાની શકયતા હતી. 'ABP'ના CSDS એકિઝટ પોલે BJPને ૩૮ બેઠકો અને કોન્ગ્રેસને ૨૯ બેઠકો મળશે એવી આગાહી કરી હતી. 'ન્યુઝ એકસ'ના સર્વેએ BJPને ૪૨થી ૫૦ અને કોન્ગ્રેસને ૧૮થી ૨૪ બેઠકો મળશે એવો અંદાજ વ્યકત કર્યો હતો.

(3:35 pm IST)