Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

રેલવેમાં ભરતી પ્રક્રિયા હવે ૨ વર્ષની જગ્યાએ છ મહિનામાં પૂરી થશે

કર્મચારીઓની અછતનો સામનો કરી રહેલ છે રેલવે

નવી દિલ્હી તા. ૧૯ : જો તમે ભારતીય રેલવેમાં એપ્લાય કરવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. હકીકત એવી છે કે ભારતીય રેલવે આગામી બે વર્ષમાં થનાર ભરતી પ્રક્રિયાને હવે માત્ર છ મહિનામાં પૂરી કરવાનો વિચાર કરી રહ્યું છે.

મોટી સંખ્યામાં કર્મચારીઓની ભરતી નહીં થવાના કારણે અછત ભોગવી રહેલ રેલવે હવે આ ભરતી પ્રક્રિયા ઝડપી કરી ઓનલાઈન પરીક્ષા શરૂ કરવાનો વિચાર કરી રહ્યું છે. વાસ્કો-દ-ગામા પટણા એકસપ્રેસના ૨૪ નવેમ્બરે પાટા પરથી ઉતરી જવાના કારણે રેલવે બોર્ડના અધ્યક્ષ અશ્વિની લોહાની અને મેનેજરોની બેઠકમાં રેલવેની ભરતી પ્રક્રિયામાં થઈ રહેલ મોડુંનો મુદ્દો ઉઠાવ્યો હતો.

રેલવેની આ બેઠકમાં પૂર્વોત્તર ફ્રંટિયર રેલવેના મેનેજર ચાહતેય રામે સલાહ આપી હતી કે, 'ભરતી પ્રક્રિયામાં ખૂબ લાંબો સમય લાગે છે. ફોર્મ ભરાયા પછી પણ બે વર્ષનો સમય ભરતીમાં લાગે છે. એવામાં કેટલાક લોકોને અન્ય નોકરી મળી જાય છે, જેના કારણે ભરતી પ્રક્રિયાને જોઈએ તેવો પ્રતિસાદ મળતો નથી. ઓનલાઈન પરીક્ષા લાવ્યા પછી આ ભરતી પ્રક્રિયા ઝડપી થવી જોઈએ.'

રેલવે બોર્ડના અધ્યક્ષ અશ્વિની લોહાનીએ પણ કહ્યું હતું કે, 'રેલવે બોર્ડે ભરતી પ્રક્રિયાની સમીક્ષા કરવી જોઈએ અને છ મહિનાની અંદર આ ભરતીઓ થઈ જવી જોઈએ.' ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર ૨૦૧૬માં રેલવે કર્મચારીઓની સંખ્યા ૧૩ લાખ હતી, જયારે ગ્રુપ સી અને ડીમાં ૨,૨૫,૮૨૩ ખાલી જગ્યાઓ છે.(૨૧.૯)

(11:53 am IST)