Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ 'ઝુંડ' ના સ્ક્રીનિંગ પર લગાવેલા પ્રતિબંધને હટાવવા સુપ્રિમકોર્ટનો ઇનકાર

કોપિરાઇટ વિવાદને લઈને હાઇકોર્ટે ફિલ્મના સ્ક્રીનિંગ પર પ્રતિબંધ લગાવ્યો છે

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ 'ઝુંડ' ના સ્ક્રીનિંગ પર લગાવેલા પ્રતિબંધને હટાવવાનો ઇનકાર કરી દીધો હતો અને તેલંગાણા હાઈકોર્ટના આદેશ સામે દાખલ કરેલી અપીલ નામંજૂર કરી દીધી હતી. કોપિરાઇટ વિવાદને લઈને હાઇકોર્ટે ફિલ્મના સ્ક્રીનિંગ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ચીફ જસ્ટિસ એસ.એ. બોબડે, જસ્ટિસ એ.એસ. બોપન્ના અને જસ્ટિસ વી.રામસુબ્રમણ્યમની ખંડપીઠે ટી-સીરીઝની અપીલને હાઈકોર્ટના 19 ઓક્ટોબરના હુકમ સામે ફગાવી દીધી હતી.

હાઇકોર્ટે આ ફિલ્મના સ્ક્રીનિંગ પર પ્રતિબંધ મુકવાના નીચલી અદાલતના આદેશમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો. આ ફિલ્મ બિન સરકારી સંગઠન સ્લમ સોકરના સંસ્થાપક વિજય બર્સેના જીવન પર આધારિત છે અને તેને એમેઝોન પ્રાઈમ પર રિલીઝ કરવામાં આવનાર હતી. આ પહેલા ફિલ્મ મે માસમાં રિલીઝ થવાની હતી પરંતુ કોવિડ-19ના કારણે તેની રિલીઝ અટકી હતી.

તેવામાં હૈદરાબાદ સ્થિત શોર્ટ ફિલ્મ નિર્માતા નંદી ચિન્ની કુમારે ફિલ્મ નિર્માતાઓ પર કોપિરાઇટના નિયમના ભંગનો આરોપ લગાવ્યો હતો. પરંતુ સામેના પક્ષે આ વાતનો ઇનકાર કર્યો છે. કેસની સુનાવણી દરમિયાન ખંડપીઠે ટિપ્પણી કરી હતી કે આ કેસની સુનાવણી છ મહિનામાં પૂર્ણ થાય તેવા નિર્દેશ આપશે. ફિલ્મ નિર્માતા વતી હાજર રહેલા વકીલે કહ્યું કે છ મહિનામાં આ ફિલ્મ બેકાર થઈ જશે અને તેઓ આ વ્યક્તિને પૈસા ચૂકવવા તૈયાર છે. તેમણે કહ્યું હતું કે સંબંધિત પક્ષો વચ્ચે રૂ. 1.3 કરોડની રકમ પર સહમતી થઈ છે.

(12:11 pm IST)