Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

કોરોના નેગેટીવ રીપોર્ટ સુરક્ષાની ૧૦૦ ટકા ગેરંટી નથી

વૈજ્ઞાનિકોએ જારી કરી ચેતવણીઃ કોરોનાનો નેગેટીવ રીપોર્ટ આવે તો એવુ માની ન લેવાય કે તે સંક્રમણ નહિ ફેલાવેઃ કોરોના નેગેટીવ રીપોર્ટ આવે તો પણ સાવધાની રાખવી જરૂરી છેઃ સ્પોટ પર કરાવાતા એન્ટીજન ટેસ્ટના નેગેટીવ રીપોર્ટનું કોઈ મહત્વ નથીઃ એન્ટીજન રીપોર્ટ નેગેટીવ આવે તો ઓટીપીસીઆર ટેસ્ટ જરૂરી હોય છે

નવી દિલ્હી, તા. ૧૯ :. જો કોઈ વ્યકિતનો કોરોના રીપોર્ટ નેગેટીવ હોય તો શું માની લેવામા આવે કે એ વ્યકિત કોઈને કોરોના સંક્રમણ કરાવી શકતો નથી ? વૈજ્ઞાનિકો આ બાબત સાથે સહમત નથી. તેઓ કહે છે કે કોરોનાનો નેગેટીવ રીપોર્ટ સુરક્ષિત હોવાની કોઈ ગેરેંટી નથી. એટલુ જ નહી તે ખોટી આશા જગાવે છે. તેથી કોરોના નેગેટીવ રીપોર્ટ આવ્યા છતા વ્યકિતએ એટલી જ સાવધાની રાખવી જોઈએ કે જેટલી અન્ય લોકોએ.

નેચરના છેલ્લામાં છેલ્લા અંકમાં પ્રકાશિત એક રીપોર્ટ અનુસાર અનેક દેશોમાં એવુ ચલણ જોવા મળ્યુ છે કે લોકો ઓફિસ જવા, ડીનર કરવા કે અન્ય પ્રસંગમાં જવા માટે કોરોના ટેસ્ટ કરાવે છે અને નેગેટીવ રીપોર્ટ આવે તો બેફીકર થઈ જાય છે. ભારતમાં પણ એવુ જણાયુ છે કે વીઆઈપી લગ્નો અને સમારોહમાં કોરોના નેગેટીવ રીપોર્ટના આધારે એન્ટ્રી આપવામાં આવે છે અને એવુ માની લેવામા આવે છે કે સમારોહમાં બધા નેગેટીવ રીપોર્ટવાળા છે તો બધુ સલામત છે. તેથી ત્યાં કોરોના ફેલાવાનો ખતરો નથી.

નેચરના રીપોર્ટમા જણાવાયુ છે કે કોરોના નેગેટીવ આવ્યા બાદ પણ તે અન્ય લોકોને સંક્રમણ ફેલાવી શકે છે. આજે કોઈને નેગેટીવ રીપોર્ટ આવ્યો તો તેને કાલે પોઝીટીવ આવી શકે છે. ટેસ્ટ પછી પણ રીપોર્ટ પોઝીટીવ આવી શકે છે. એવી પણ સંંભાવના છે કે બુધવારે કોઈ સંક્રમિતના સંપર્કમાં આવ્યો હોય એવામાં ગુરૂવારે થયેલા ટેસ્ટમાં તેનો રીપોર્ટ નેગેટીવ પણ આવે.

જોન હોપકીન્સ યુનિ.ના સંશોધનકારોનો દાવો પણ આ જ પ્રકારનો છે. તેઓ કહે છે કે કોરોના સંક્રમિતના સંપર્કમાં આવ્યા બાદ લક્ષણ વિકસીત થવામાં બે-ચાર દિવસ લાગે છે. સંક્રમણના પહેલા જ દિવસ ટેસ્ટ કરવામાં આવે તો ૧૦૦ ટકા ખોટો નેગેટીવ રીપોર્ટ આવશે. લક્ષણ આવ્યા બાદ તૂર્ત પછી પણ ૩૮ ટકા ખોટો નેગેટીવ રીપોર્ટ હોય છે જ્યારે ૩ દિવસ બાદ પણ ૨૦ ટકા સુધી ખોટો નેગેટીવ રીપોર્ટ આવી શકે છે. સંક્રમણના ૫ દિવસ બાદ જ તપાસમાં વાયરસને પકડવો સંભવ હોય છે.

એક નિષ્ણાંત ડો. જુગલ કિશોર કહે છે કે રીપોર્ટ નેગેટીવ આવે તો પણ લોકોએ બચાવના ઉપાયોનું પાલન કરવુ જોઈએ. સતત માસ્ક પહેરવો જોઈએ. અંતર રાખવુ જોઈએ. સાબુથી હાથ ધોવા જોઈએ નહિતર નેગેટીવ રીપોર્ટ એ બાબતની ૧૦૦ ટકા ગેરેંટી નથી કે તમે કોરોના સંક્રમિત નથી. આ જ પ્રકારે સ્પોટ પર આવતા એન્ટીજન ટેસ્ટનો નેગેટીવ રીપોર્ટનુ પણ કોઈ મહત્વ નથી કારણ કે એન્ટીજન રીપોર્ટ નેગેટીવ આવે તો ઓટીપીસીઆર ટેસ્ટ જરૂરી બને છે.

(10:46 am IST)