Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ભારત દ્વારા ભેટ આપેલા

હેલિકોપ્ટરને પરત મોકલશે નહીં : માલદીવના રક્ષામંત્રી મારિયા ડિડી

નવીદિલ્હી,તા.૧૯: માલદીવમાં નવી સરકાર બનતા જ ભારત માટે સંભાવનાઓના દ્વાર ખુલ્લા થઇ ગયા છે. પહેલા માલદીવની રાષ્ટ્રપતિએ તેમના શપથ ગ્રહણ સમારંભમાં માત્ર ભારતનો ઉલ્લેખ કર્યો છે. ત્યારબાદ હવે માલદીવના રક્ષામંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભારત દ્વારા ભેટ આપેલા હેલિકોપ્ટરને પરત મોકલશે નહીં. આ પહેલા ચીન ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યમીને ભારતના હેલિકોપ્ટર પરત મોકલવાનો નિર્ણય કર્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે, આ નિર્ણય તેમણે ચીનના પ્રભાવ હેઠળ લેવામાં આવ્યો હતો. ભારતે પોતાના બે હેલિકોપ્ટર માલદીવને ભેટ આપ્યા હતા. પરંતુ હવે નવી સરકાર અસ્તિત્વમાં જ ભારતનાં સંબંધો પહેલાની જેમ આગળ વધતા જોવો મળી રહ્યાં છે.

 માલદીવના રક્ષામંત્રી મારિયા ડિડીએ કહ્યું હતું કે, અમે ભારતે ભેટ આપેલા બે હેલિકોપ્ટર પરત મોકલીશું નહીં. આ અમારી સંસ્કૃતિ નથી કે અમને પ્રેમથી આપેલી ભેટ અમે પાછી મોકલાવી દઇએ.

ભારત દ્વારા આપવામાં આવેલા આ ચોપર માલદીવમાં બે મહત્વની જગ્યાઓ પર તૈનાત છે. જેમાં એક દક્ષિણ ભાગમાં અડ્ડુ દ્વીપ પર તૈનાત છે. જ્યારે બીજું ચોપર વ્યૂહાત્મક રીતથી ઘણું મહત્વનું માનવામાં આવતા લામૂમાં તૈનાત છે. આ બંને હેલિકોપ્ટરની સાથે ત્યાં ૫૦ ભારતીયોની એક જૂથ પણ છે. તેઓ પણ ત્યાં તૈનાત છે. આ ચોપર ભારતે ૨૦૧૩માં માલદીવને ગીફ્ટમાં આપ્યા હતાં. તે પછી, બંને દેશો વચ્ચેના સંબંધો ખરાબ બનતા યમીને આ ચોપર પાછા મોકલવાનું કહ્યું હતું.

માલદીવના રક્ષામંત્રીની કોઇપણ ભારતીય મીડિયા સાથેની આ પહેલી વાતચીત છે. મારિયાનું કહેવું છે કે અમારા માટે કેટલાક ઓપરેશનમાં આ હેલિકોપ્ટર ઘણા મદદગાર સાબિત થઇ શકે છે

(4:19 pm IST)