Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

પાકના બદલે બિયારણની ખેતી ખેડૂતોને આવી રહી છે પસંદ

ઉત્તર પ્રદેશ, પંજાબ સુધી જાય છે ગાજર અને ડુંગળીનું બિયારણઃ રાજસ્થાનના ખેડૂતોને મળે છે એડવાન્સ ઓર્ડર

પુષ્કર તા. ૧૯: પુષ્કર જીલ્લાના હેડ કવાર્ટરની પાસેના એક ગામના એક પ્રગતિશીલ ખેડૂત સંતોષ પરમારે પરંપરાગત પાકની સાથે સાથે બીયારણની ખેતી કરીને ખેડૂતની આવક વધારવાનો નવો રસ્તો શોધી કાઢયો છે. તેનું કહેવું છે કે છેલ્લા બે વર્ષમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ સહિત અન્ય રાજયોના ખેડૂતો રવી સીઝનમાં અહીંના ડુંગળી અને ગાજરના બિયારણની વાવણી કરી રહ્યા છે. શેખાવટીમાં પ્રતિકુળ હવામાનમાં તૈયાર થતા આ બિયારણની સારી ગુણવત્તાના કારણે અહીંનું બિયારણ પોસ્ટલ વિભાગ અથવા પાર્સલ દ્વારા બીજા રાજયો સુધી જવા લાગ્યું છે.

દેશભરમાં ધૂમ મચાવનાર આ બિયારણની સારી ગુણવતાના કારણે બીજા રાજયોમાં તેની માંગ વધી છે. ખેડૂતના કહેવા અનુસાર, વર્ષમાં એક વાર દર વર્ષે ડીસેમ્બર મહીનામાં તે તૈયાર થાય છે. ખેડૂતોને એડવાન્સમાં ઓર્ડર આપવો પડે છે. ગયા વર્ષે ઓછું બિયારણ તૈયાર થયું હોવાના કારણે ગયા વર્ષનો પાંચસો કિલો બિયારણનો ઓર્ડર પેન્ડીંગ પડયો છે. આ વર્ષે તેમણે ડુંગળી અને ગાજરનું દસ કવીંટલ બિયારણ તૈયાર કરીને બીજા રાજયોમાં મોકલ્યું છે.

(2:53 pm IST)