Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

સાંઇના શરણમાં PM મોદીઃ કહ્યું.. સાઇનો માર્ગ જ યોગ્ય

સાંઇ બાબાના શતાબ્દી સમારોહમાં ભાગ લેવા પીએમ પહોચ્યા શિરડીઃ અનેક વિકાસ યોજનાઓનું લોકાર્પણ : સાઇના દરબાર માંથી ગરીબો માટેની યોજનાઓ ચાલતી હતીઃ સબ કા માલિક એકનો મંત્ર સમગ્ર સમાજને એક સુત્રમાં બાંધવાનો છે

નાસિક, તા.૧૯: શિરડીના સાંઈબાબાએ સમાધિ લીધી તેને આજે ૧૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે, ત્યારે આ પ્રસંગે શિરડીમાં એક મોટા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં વડાપ્રધાન મોદી પણ સામેલ થશે. સૌપ્રથમ વડાપ્રધાન મોદીએ સાંઈ બાબાની વિશેષ પૂજા કરી, આ દરમિયાન તેમની સાથે મહારાષ્ટ્ર દેવેન્દ્ર ફડણવીસ અને રાજયપાલ વિદ્યાસાગર રાવ પણ ઉપસ્થિત રહ્યાં. વડાપ્રધાન મોદીએ અહીં મંદિરની વિઝિટર બુકમાં પોતાના વિચાર પણ લખ્યાં. વડાપ્રધાને આ પ્રસંગે બાબાની યાદમાં ચાંદીના સિક્કા જાહેર કર્યાં. આ ઉપરાંત તેઓએ વડાપ્રધાન આવાસ યોજનાના અનેક લાભાર્થીઓને દ્યરની ચાવી સોંપી. તેઓએ લાભાર્થીઓ સાથે વાત પણ કરી.

 આ કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદીએ અહીં એક રેલી સંબોધિત કરી. ભ્પ્હ્ય્ પોતાના ભાષણની શરૂઆત મરાઠી ભાષામાં કરી. વડાપ્રધાને દેશવાસીઓને વિજયાદશમીના અભિનંદન આપ્યાં. PM કહ્યું કે, મારો પ્રયાસ રહે છે કે દરેક તહેવાર દેશવાસીઓ સાથે મનાવું. સાંઈને યાદ કરીને લોકોની સેવા કરવા માટે શકિત મળે છે.તેઓએ કહ્યું કે સાંઈનો મંત્ર છે 'સબ કા માલિક એક' સાંઈ સમાજના હતા અને આ સમાજ સાંઈનો હતો.

સાંઈના ચરણોમાં બેસીને ગરીબો માટે કામ કરવું સૌભાગ્યની વાત છે. તેઓએ કહ્યું કે મને ખુશી છે કે દશેરાના આ પાવન અવસરે મને મહારાષ્ટ્રના અઢી લાખ ભાઈઓ-બહેનોને પોતાનું દ્યર સોંપવાની તક મળી, મારા તે ભાઈ બહેન જેના માટે પોતાનું ઘર હંમેશાથી સપનું રહ્યું છે. મોદીએ UPA સરકાર પર નિશાન સાંધતા કહ્યું કે ગત સરકારનું માત્ર એક જ લક્ષ્ય હતું અને તે એક પરિવારનો પ્રચાર કરવો, ઘર આપવાનો નહીં.

 PM બોલ્યાં કે ગત સરકારે પોતાના અંતિમ ચાર વર્ષમાં ૨૫ લાખ ઘર બનાવ્યાં હતા પરંતુ અમારી સરકારે પોતાના ચાર વર્ષના કાર્યકાળમાં ૧ કરોડ ૨૫ લાખ ઘર બનાવ્યાં છે. જો ગત સરકાર હોત તો આટલાં ઘર બનાવવા માટે ૨૦ વર્ષ થઈ જાત.

 શિરડી સાંઈબાબાની સમાધિની શતાબ્દી પર ન્યાસ દ્વારા આખા વર્ષ દરમિયાન ઉત્સવ મનાવવામાં આવ્યો.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ૧ ઓકટોબર, ૨૦૧૭નાં રોજ શતાબ્દી મહોત્સવનું ઉધ્ઘાટન કર્યું હતું.ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ ડિસેમ્બર, ૨૦૧૭માં વૈશ્વિક સાંઈ મંદિર સંમેલનનું ઉધ્ઘાટન કર્યું અને આખું વર્ષ નાના-મોટા ઉત્સવોનું આયોજન ચાલતું રહ્યું.

વડાપ્રધાન મોદી શિરડીમાં ૧૫૯ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા શૈક્ષેણિક ભવન, તાર ઘર, મોમ સંગ્રહાલય, સાઈ ઉદ્યાન અને થીમ પાર્ક સહિત પ્રમુખ પ્રોજેકટનું ભૂમિપુજન કર્યું.સાંઈબાબા સંસ્થાન ન્યાસના અધ્યક્ષ સુરેશ હાવરેએ જણાવ્યું કે મોદી સાંઈબાબા શતાબ્દી પર તેમની યાદમાં ચાંદીના સિક્કા જાહેર કર્યાં.

 શિરડીના સાંઈની પ્રસિદ્ઘિ દૂર દૂર સુધી છે. આ પવિત્ર ધાર્મિક સ્થળ મહારાષ્ટ્રના અહમદનગરના શિરડી ગામમાં છે. તમામ સમુદાયોમાં પૂજનીય સાંઈબાબાનું દેહાવસાન ૧૯૧૮માં દશેરાના દિવસે અહમદનગર જિલ્લાના શિરડી ગામમાં થયું હતું. શિરડીના સાંઈબાબાનું વાસ્તવિક નામ, જન્મસ્થળ અને જન્મ તારીખ કોઈને ખ્યાલ નથી. જો કે સાંઈનું જીવનકાળ ૧૮૩૮થી ૧૯૧૮ સુધી માનવામાં આવે છે.

મોદી શિરડી પહોંચે તે પહેલાં મહિલા અધિકાર કાર્યકર્તા તૃપ્તી દેસાઈ શિરડી પહોંચી હતી. જો કે પોલીસે તૃપ્તી દેસાઈની અટકાયત કરી છે. તેઓએ કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ મુદ્દે મોદીને મળવાની ઈચ્છા વ્યકત કરી હતી. પોલીસને ચિઠ્ઠી લખી ધમકી આપી હતી કે જો તેઓને વડાપ્રધાન સાથે નહીં મળવા દેવાય તો તેમનો કાફલો રોકી દેશે.

તૃપ્તી દેસાઈ શિંગણાપુરના શનિ મંદિર સહિત અન્ય ધાર્મિક સ્થળો પર મહિલાઓને હક અપાવવા માટે આંદોલન કરી ચુકી છે.

(3:37 pm IST)