Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

જબરો નીકળ્યો આ ચાટવાળો ! ૧.૨૦ કરોડની 'ગુપ્ત આવક' જાહેર કરી

પકોડીવાળા બાદ હવે ચાટવાળો ચર્ચામાં

લુધિયાણા તા. ૧૯ : ઈનકમ ટેકસ ડિપાર્ટમેન્ટે પંજાબના શહેર પટિયાલાના એક જાણીતા ચાટવાળા પાસે ૧.૨૦ કરોડનું કાળું નાણું હોવાનો ખુલાસો કર્યો છે. ગુરુવારે ઈનકમ ટેકસ ડિપાર્ટમેન્ટે સર્વે કરતાં ચાટવાળાએ આ કબૂલાત કરી. આ ચાટવાળો કેટરિંગનું કામ પણ કરે છે. આ મહિને જ લુધિયાણાના એક ભજિયાવાળાએ ઈનકમ ટેકસ ડિપાર્ટમેન્ટની રેડમાં ૬૦ લાખ રૂપિયા સરેન્ડર કર્યા હતા.

જાહેર નહીં કરેલી રકમનો ખુલાસો કરતાં હવે ચાટવાળાએ ૫૨ લાખ રૂપિયાનો ટેકસ ભરવો પડશે. ચાટવાળાને ત્યાં ઈનકમ ટેકસ ડિપાર્ટમેન્ટે બુધવારે જ સર્વે શરૂ કર્યો હતો. ટીમ લુધિયાણા-૩ અને પટિયાલા કમિશ્નરીના પ્રમુખ કમિશ્નર પરનીત સચદેવની આગેવાનીમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું. દરમિયાન બહાર આવ્યું કે ચાટવાળાએ પોતાની આવકનો મોટો હિસ્સો ગુપ્ત રાખ્યો સાથે જ સ્થાવર સંપત્તિમાં રોકાણ કર્યું. ઉપરાંત ચાટવાળાએ છેલ્લા બે વર્ષથી ઈનકમ ટેકસ રિટર્ન પણ ફાઈલ નહોતું કર્યું.

આઈટી ડિપાર્ટમેન્ટના સૂત્ર તરફથી મળેલી માહિતી પ્રમાણે, ચાટવાળાએ બે પાર્ટી હોલ બનાવ્યા છે. કોઈપણ સમારોહમાં ચાટનું કાઉન્ટર લગાવવા માટે તે ૨.૫થી ૩ લાખ રૂપિયા ચાર્જ કરતો હતો. અધિકારીઓનું અનુમાન છે કે, ટેકસ ચોરીની રકમ હજુ વધી શકે છે કારણકે ખરીદ-વેચાણનો કોઈ લેખિત હિસાબ નથી.ડિપાર્ટમેન્ટના સૂત્રોએ જણાવ્યું કે જલ્દી જ ચાટવાળા પર કાર્યવાહી કરવામાં આવશે.

(3:26 pm IST)