Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

દેશ-વિદેશ ફરો છો તો અયોધ્યા કેમ નથી ગયા? ઉધ્ધવ ઠાકરેનો PM મોદીને સવાલ

દેશમાં ૨૦૧૪ જેવી લહેર હવે નથીઃ હું ૨૫ નવેમ્બરે અયોધ્યા જઇશ : ઉધ્ધવ

મુંબઈ તા. ૧૯ : જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહે છે, રામ મંદિરને લઈને રાજકારણ વધુ ગરમાઈ રહ્યું છે. ગુરૂવારે શિવસેના ચીફ ઉદ્ઘવ ઠાકરેએ અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે કથિત મોડું થવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું. વિજયાદશમી પર રેલીને સંબોધતા ઠાકરેએ પીએમ મોદીને સવાલ પૂછતા કહ્યું કે, તમે એવા દેશોમાં ગયા જેને અમે ભૂગોળની ચોપડીમાં પણ નથી જોયો. પરંતુ તમે અત્યાર સુધી અયોધ્યા કેમ નથી ગયા? તેમણે ઘોષણા કરતા કહ્યું કે, હું ૨૫ નવેમ્બરે અયોધ્યા જઈશ.

બીજેપી સરકાર પર નિશાન સાધતા ઠાકરેએ કહ્યું, મંદિર ત્યાં જ બનાવીશું પરંતુ તારીખ નહીં કહીએ, આ અભિગમ કામ નહીં કરે... 'મંદિરનું નિર્માણ કરો અથવા તો સ્વીકાર કરો કે આ એક જુમલો હતો.' તમને જણાવી દઈએ કે રામ મંદિર મુદ્દાને લઈને બીજેપી પર દબાણ વધી રહ્યું છે. આ પહેલા આરએસએસ ચીફ મોહન ભાગવતે વિજયાદશમીએ સ્પીચમાં કહ્યું કે, કેન્દ્રએ અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે અધિનિયમ લાવવો જોઈએ.

૨૦૧૯ની લોકસભા ચૂંટણીથી કેટલાક મહિના પહેલા સેન્ટ્રલ મુંબઈમાં દશેરા રેલીમાં ઠાકરેએ કહ્યું, હવે દેશમાં ૨૦૧૪ની જેમ લહેર નથી. બીજેપીએ ૨૦૧૪માં પોતાની ચૂંટણીની સફળતાનો શ્રેય મોદી લહેરને આપ્યો હતો. ઠાકરેએ શિવસેનાના વર્કરોને ચૂંટણી માટે તૈયાર રહેવા માટે કહ્યું છે. કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં બીજેપીની આગેવાનીવાળી સરકારોમાં શામેલ NDAના સૌથી જૂના ઘટક દળે આ વર્ષની શરૂઆતમાં ભવિષ્યમાં એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. રેલીમાં તેમણે કહ્યું, હું મંદિર નિર્માણમાં કથિત રીતે મોડું થવા પર પીએમને સવાલ પૂછવા ઈચ્છું છું... અમે પ્રધાનમંત્રીના દુશ્મન નથી પરંતુ આપણે લોકોની ભાવનાઓ સાથે રમવું ન જોઈએ.

મુંબઈમાં ઉદ્ઘવે કહ્યું કે જેમને લાગે છે કે હિન્દુત્વ મરી ગયું છે, તેઓ જાણી લે કે હજુ અમે જીવતા છીએ. શિવસેના કાર્યકર્તાઓમાં જોશ ભરવાના પ્રયાસમાં લાગેલા ઉદ્ઘવે કહ્યું, અમે તેવા લોકોને ચેતવણી આપી રહ્યા છીએ, જેમને લાગે છે કે હિન્દુત્વ મરી ગયું છે. અમે હજુ જીવિત છીએ. અમને દુઃખ છે કે હજુ સુધી રામ મંદિર નથી બનાવાયું. હું ૨૫ નવેમ્બરે અયોધ્યા જઈ રહ્યો છું.

શિવસેના ચીફે આર્ટિકલ ૩૭૦, વધતી મોંઘવારી, પાકિસ્તાન વિરુધ્ધ કડક વલણ જેવા ઘણા મુદ્દાઓ પર બીજેપી સરકાર પર હુમલો કર્યો. ઠાકરેએ મહારાષ્ટ્ર બીજેપીના એક નેતાને તે નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો જેમાં તેમણે પીએમ મોદીને ભગવાન વિષ્ણુના ૧૧મો અવતાર બતાવ્યા. ઠાકરેએ કહ્યું, 'જો આવું છે તો મોદી સરકાર વધતી કિંમતો પર અંકુશ કેમ નથી લગાવી શકતી?'

(9:53 am IST)