Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

શહેરમાં કોરોનાનો કહેર યથાવત : આજે ૨૩ મોત : નવા ૪૮ કેસ

આજદિન સુધીમાં કુલ ૩૬૭૮ દર્દીઓ સાજા થતા રિકવરી રેટ ૭૪.૬૩ ટકા થયો : છેલ્લા છ માસમાં ૧.૬૫ લાખ ટેસ્ટ થયા : સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર- જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૧ મૃત્યુની નોંધ : શહેરના ૮ વિસ્તારમાં ૯૦ માઇક્રો કન્ટેનટમેન્ટ ઝોન જાહેર : ૬૦ હજાર ઘરોમાં સર્વે માત્ર ૮ને તાવ - શરદી - ઉધરસના લક્ષણો

રાજકોટ, તા. ૧૯:  વૈશ્વિક મહામારી કોરોનાએ રાજકોટ શહેર- જીલ્લામાં કાળો કેર વર્તાવ્યો છે. સતત થઇ રહેલા મૃત્યુ વચ્ચે આજે એક જ રાતમાં ૨૩ દર્દીઓનો ભોગ લેવાઇ જતાં હાહાકાર મચી ગયો છે.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર- જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એક જ મૃત્યુની નોંધ થઇ નથી.

આ અંગે સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૧૮નાં સવારે ૮ વાગ્યાથી આજ તા.૧૯ને સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લાના ૨૩ દર્દીઓનાં મૃત્યુ થયા છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમંરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે.  પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે અને મૃત્યુનો આંક પણ વધી રહ્યો છે. લોકોએ જાતે જ સાવચેત રહેવું જરૂરી બન્યું છે.

બપોર સુધીમાં ૪૮ કેસ

સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધતુ જાય છે ત્યારે રાજકોટ શહેરમાં પણ કોરોના કેસનાં આંકમાં સતત વધારો થઇ રહ્યો છે. 

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૪૮ નવા કેસ નોંધાયા છે.તમામની સારવારની વ્યવસ્થા તથા પોઝીટીવ વ્યકિતનાં કોન્ટેકટમાં આવેલ લોકોને કોરન્ટાઇન કરવા સહીતની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

 શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૪૯૭૬  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૩૬૭૮ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૭૪.૬૩  ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૭૧૪૧ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૯૮ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧.૩૭ ટકા થયો  હતો. જયારે ૧૫૬ દર્દીઓને સાજા થયા હતા.

છેલ્લા  છ  મહિનામાં એટલે કે માર્ચ થી આજ દિન સુધીમાં ૧,૬૫,૨૪૦ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી  ૪૯૭૬ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૯૮ ટકા થયો છે.

માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન

શહેરમાં ગઇકાલની સ્થિતિએ ગુલાબ વાટીકા સોસાયટી- અમીન માર્ગ,રાજલક્ષ્મી સોસાયટી-કોઠારીયા રોડ, આકાશવાણી ચોક-યુનિવર્સિટી, આરાધના સોસાયટી,- સત્યસાંઇ હોસ્પિટલ, સાનિધ્ય ગ્રીન એપાર્ટમેન્ટ, પોપોટ પરા મે.રોડ, શ્યામ પાર્ક- પુષ્કરધામ ચોક, સોની બજાર-ખત્રીવાડ ચોક, બજરંગવાડી સહિતના વિસ્તારોમાં  ૯૦ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન (એટલે કે કોરોના પોઝિટિવનું મકાન અને તેની આસપાસના બેથી ત્રણ મકાનના વિસ્તારનો ૧ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન) કાર્યરત છે.

૬૦ હજાર ઘરોમાં સર્વે : માત્ર ૮ વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો

શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગઇકાલે કુલ ૫૯,૮૦૬ ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૮ વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.   જ્યારે ગાયકવાડી, રેફયુજી કોલોની, આરતી ઇન્ડસ્ટ્રીઝ, અમૃતનગર, યોગી પાર્ક, મિલાપ નગર, મણીનગર, શિવ નગર, વૈશાલી નગર, લીંબુડી વાડી રોડ, સહિતનાં વિસ્તારોમાં ૫૦ ધનવંતરી રથ મારફત ૧૧,૨૭૪ લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

(2:32 pm IST)