Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

લોન મોરેટોરિયમ

વ્યાજનું વ્યાજ ભરવા પર મળી શકે છે થોડી રાહત !

બેંકો વ્યાજનું પણ વ્યાજ વસૂલવા તૈયારઃ સુપ્રીમ કોર્ટમાં આ મામલે હાલ ચાલી રહી છે સુનાવણી

નવી દિલ્હી, તા.૧૯: RBIના આદેશથી બેંકોએ છ મહિના માટે લોનધારકોને EMI ભરવામાંથી મુકિત આપી હતી. જોકે, હવે બેંકો આ છ મહિનાના ગાળા દરમિયાનનું વ્યાજનું પણ વ્યાજ વસૂલવાનું કહી રહી છે, ત્યારે સુપ્રીમ કોર્ટમાં આ સમગ્ર મામલો પહોંચ્યો છે. આ તમામ ગતિવિધિ વચ્ચે સરકારે આ મામલે બનાવેલી ત્રણ સભ્યોની કમિટિ વ્યાજનું પણ વ્યાજ વસૂલવાના મામલે લોનધારકોને થોડી રાહત આપવાની ભલામણ કરે તેવી શકયતા છે.

માર્ચ મહિનાથી આરબીઆઈએ ઈએમઆઈ ભરવામાંથી હંગામી રાહત આપવાની જાહેરાત કરી હતી, જે ઓગષ્ટ મહિનામાં સમાપ્ત થઈ હતી. એક તરફ આ છ મહિનાનું વ્યાજ માફ કરવામાં આવે તેવી માગ સાથે સુપ્રીમમાં અરજી થઈ હતી, ત્યારે બેંકોએ તેમાં વ્યાજનું પણ વ્યાજ લેવાની વાત કરતા સુપ્રીમે સરકારનો જવાબ માગ્યો હતો.

બેંકોની દલીલ છે કે જો તેઓ વ્યાજનું પણ વ્યાજ ના લે તો તેમને મોટું નુકસાન જાય તેમ છે. બેંકોના આ દાવાને ચકાસવા માટે સરકારે પૂર્વ CAG રાજીવ મહર્ષીની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની એક કમિટિ બેસાડી છે. જે બેંકો જો વ્યાજનું વ્યાજ ના લે તો તેમને ખરેખર કેટલું નુકસાન જાય તેની ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મહર્ષી કમિટિ પોતાના તારણમાં જણાવી શકે છે કે આ મામલે તમામ બોજ બેંકોના ખભા પર ના નાખી શકાય, કારણકે કોરોનાની તેમના કારોબારને પણ ગંભીર અસર પડી છે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ અનુસાર, આ પેનલ એવી સલાહ આપી શકે છે કે નિશ્ચિત જૂથના લોનધારકોને વ્યાજનું વ્યાજ ભરવામાં થોડી-ઘણી રાહત મળવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, આરબીઆઈ મોરાટોરિયમ પિરિયડનું વ્યાજ માફ કરવાના મૂડમાં નથી. તેનું કહેવું છે કે તેનાથી હાલ મુશ્કેલીમાં રહેલા નાણાં ક્ષેત્ર માટે મોટી સમસ્યા સર્જાશે. કેન્દ્ર સરકારે પણ આ મામલે બેંકોને કોઈ આદેશ નથી આપ્યો, પરંતુ સુપ્રીમ કોર્ટે નાણાં મંત્રાલયનો મત પૂછતા સરકારે ૧૦ સપ્ટેમ્બરે મહર્ષી કમિટિની રચના કરી હતી. ૨૦મીએ કોર્ટમાં આ મામલે વધુ સુનાવણી થવાની છે. જેમાં કમિટિની ભલામણોનો રિપોર્ટ રજૂ કરી શકાય છે.

(10:00 am IST)