Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

૭૦ વર્ષનાં ભાભાની પી.વી.સિંધુ સાથે લગ્ન કરવાની જીદઃ અપહરણની પણ ધમકી

ચેન્નાઇ, તા.૧૯: એક ૭૦ વર્ષનો વૃદ્ઘ સ્ટાર શટલર અને વિશ્વ ચેમ્પિયન પી.વી સિંધુના પ્રેમમાં પાગલ છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે. સિંધુ સાથે લગ્ન કરવાની અરજી લઇ તે જિલ્લા અધિકારી કાર્યાલય પણ પહોંચી ગયો હતો. વૃદ્ઘના હાથમાં તેની અને પીવી સિંધુ સાથે જોડેલી એક તસવીર પણ હતી. વૃદ્ઘની માંગ હતી કે, તેમના લગ્ન પીવી સિંધુ સાથે કરાવી દેવામાં આવે નહી તો તેઓ તેનું અપહરણ કરીને તેની સાથે લગ્ન કરશે.

જેટલું આશ્યર્ય તમને લગ્નની તેમની તમન્ના અને અરજી પર થશે એટલું જ આશ્યર્ય એ જાણીને થશે કે આ વૃદ્ઘની ઉંમર ૭૦ વર્ષ છે. જોકે, જિલ્લા અધિકારીને આપવામાં આવેલ અરજીમાં તેણે પોતાની ઉંમર માત્ર ૧૬ વર્ષ બતાવી છે.

તામિલનાડૂનો એક જિલ્લો છે રામનાથપૂરમ. અહિંયાના જ રહેવાસી છે સીતેર વર્ષના મલાઇસ્વામી. મંગળવારે જિલ્લા અધિકારીએ લોકોની સમસ્યા સાંભળવા માટે એક બેઠક બોલાવી હતી. તમામ લોકો પોતાની સમસ્યાને લઇ ત્યાં હાજર હતાં. ત્યારે જ સામે આવ્યા મલાઇસ્વામી. તેમણે જે અરજી સોંપી તેને જોઇ ત્યાં હાજર જિલ્લા અધિકારી અને પદાધિકારી સહિત ત્યાં હાજર તમામ લોકો દંગ રહી ગયા.

જિલ્લા અધિકારીને સોંપવામાં આવેલી અરજી અનુસાર મલાઇસ્વામીને પીવી સિંધુનો બેડમિંટન રમવાનો અંદાજ ખુબ જ પસંદ છે. તાજેતરમાં જ સિંધુ વિશ્વ ચેમ્પિયન બની તો મલાઇસ્વામી તેનાથી ખુબ જ પ્રભાવિત થયા. તેમનું કહેવું છે કે, જિલ્લા પ્રશાસન પીવી સિંધુ સાથે તેમના લગ્ન કરાવી આપે. જો તેમની માંગ પર ધ્યાન નહી આપવામાં આવે તો તેઓ સ્ટાર બેડમિંટન ખેલાડીનું અપહરણ કરશે.

મલાઇસ્વામીએ અરજીમાં પોતાની જન્મતિથિ ૦૪ એપ્રિલ ૨૦૦૪ બતાવી છે. અરજી સાથે મલાઇસ્વામીએ પોતાની અને પીવી સિંધુની એક તસવીર પણ બનાવી છે.

તમને જણાવી દઇએ કે, તામિલનાડૂની રહેવાસી પીવી સિંધુ શીર્ષ ભારતીય બેડમિંટન ખેલાડી છે. તાજેતરમાં જ સિઁધુ જાપાનની નાઓમી ઓકુહારાને હરાવી વિશ્વ ચેમ્પિયન બની છે. પીવી સિંધુના નામે ઓલિમ્પિકમાં કાસ્ય મેડલ પણ છે.(૨૩.૨)

(10:09 am IST)