Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

દહેરાદુનની બોર્ડિંગ સ્‍કૂલમાં ધો.૧૦ની ‌છાત્રા ઉપર ૧૨મા ધોરણના વિદ્યાર્થીઅે દુષ્‍કર્મ આચર્યું

દહેરાદુન: દહેરાદુનની એક બોર્ડિંગ સ્કૂલમાં દસમા ધોરણમાં ભણતી છોકરી પર રેપ થયો છે. ચોંકાવનારી વાત એ છે કે, રેપની ઘટનાને દબાવવા સ્કૂલે બળાત્કાર પીડિતાનો ગર્ભપાત કરાવવા પણ તેના પર દબાણ કર્યું હતું. પોલીસે આ મામલે ચાર સ્ટૂડન્ટ્સ અને પ્રિન્સિપાલ એમ કુલ નવ લોકોની ધરપકડ કરી છે. આ મામલાને દબાવવાનો પ્રયાસ કરનારા સ્કૂલના ડિરેક્ટરને પણ પોલીસે અરેસ્ટ કર્યા છે. પીડિતાની ઉંમર 16 વર્ષ છે, અને તેના પર ગયા મહિને ગેંગરેપ કરાયો હતો. રેપ કરનારા સ્ટૂડન્ટ્સ 18 વર્ષથી ઓછી વયના હોવાનું બહાર આવ્યું છે.

ઉત્તરાખંડના શિક્ષણ વિભાગે આ મામલે સ્કૂલનું લાઈસન્સ તેમજ નો-ઓબ્જેક્શન સર્ટિ કેન્સલ કરવા સુધીની કાર્યવાહી આરંભી દીધી છે. આ મામલે CBSEને પત્ર પણ લખી દેવામાં આવ્યો છે. દહેરાદૂનના એસએસપી નિવેદિતા કુકરેતીના જણાવ્યા અનુસાર, પ્રારંભિક તપાસ અને પીડિતાએ કરેલા આક્ષેપ અનુસાર, પોલીસે ગુનામાં સામેલ લોકોની ધરપકડ કરી છે. છોકરીની મેડિકલ તપાસ પણ કરાવી લેવાઈ છે.

પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, સ્કૂલના ટોચના અધિકારીઓએ પીડિતાનો ગર્ભપાત થઈ જાય તે માટે કેટલાક ઘરગથ્થુ ઉપચાર પણ અજમાવ્યા હતા. જોકે, તે કારગત ન નીવડતા તેને નર્સિંગ હોમમાં પણ લઈ જવાઈ હતી. ડોક્ટરને શંકા ન જાય તે માટે સ્કૂલના બે અધિકારીઓએ છોકરીના મા-બાપ હોવાનો પણ ડોળ કર્યો હતો. તેમણે ડોક્ટરને ગર્ભપાત માટે દવા આપવા પણ દબાણ કર્યું હતું.

જોકે, ડોક્ટરે ગર્ભપાત કરતા પહેલા સોનોગ્રાફી કરવી જરુરી હોવાનું કહેતા છોકરીને લઈ ડોક્ટર પાસે ગયેલા અધિકારી કાલે આવીશું તેમ કહીને છટકી ગયા હતા. આ ઘટના બાદ જ સમગ્ર પ્રકરણની જાણ પોલીસને થઈ હતી, અને સમગ્ર કાર્યવાહીનો આરંભ થયો હતો. છોકરીના જણાવ્યા અનુસાર, તેના પર ગયા મહિને 12મા ધોરણમાં ભણતા છોકરાઓએ ગેંગરેપ કર્યો હતો.

છોકરીએ આ જ સ્કૂલમાં ભણતી પોતાની મોટી બહેનને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. ચોંકાવનારી વાત એ છે કે, પીડિતાનું કાઉન્સેલિંગ કરવા તેમજ આરોપીઓને પોલીસને સોંપવાને બદલે સ્કૂલે પોતાની બદનામી ન થાય તે માટે સમગ્ર ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો.

તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, લાખો રુપિયા ફી લેતી આ સ્કૂલમાં ન તો કોઈ સિક્યોરિટી ગાર્ડ છે કે ન સીસીટીવી કેમેરા. સ્કૂલમાં ભણતા 300 સ્ટૂડન્ટ્સનું એડમિશન અન્ય સ્કૂલમાં કરાવી દેવા પણ સરકારે કાર્યવાહી આરંભી છે.

(5:20 pm IST)