Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ચોકીદાર હવે ચોરોને આશરો આપે છેઃ દેશનું ભલું આમાં કયાંથી થાયઃ રાહુલ

આ ચોકીદાર તો એવા છે કે દરવાજો ખોલી ચોરોને આવવા દયે છે!!

ફરનુલઃ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મંગળવારે અહીં કહયું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક એવા ચોકીદાર છે જે દરવાજો ખોલીને ચોરોને અંદર આવવા દે છે. આંધપ્રદેશમાં એક સભાને સંબોધીત કરતા તેમણે કહયું કે મોદી જો સાચા ચોકીદાર હોત તો ભાગેડુ વિજય માલ્યાને વિદેશ જવાની પરવાનગી આપનાર નાણામંત્રી અરૂણ જેટલીને તરત કાઢી મુકત.

રાહુલે કહયું કે મોદીએ જેટલીને નથી કાઢયા કારણ તે પોતે જ ભ્રષ્ટ છે. મોદી પર મુકેલા આક્ષેપોના સમર્થનમાં તેમણે રાફેલ સોદાનો હવાલો આપ્યો હતો.

તેમણે કહયું કે વડાપ્રધાન બન્યા પછી મોદીએ તેની પુરોગામી એનપીએ સરકાર દરમ્યાન થયેલા ૧ર૬ લડાયક વિમાન ખરીદવાના સોદામાં ફેરફાર કર્યા હતા. દરેક જેટની કિંમત પર૬ કરોડ રૂપીયા નક્કી થઇ હતી તે વધીને ૧૬૦૦ કરોડ કેવી રીતે થઇ ગઇ. ત્રણ ગણી કિંમતે સરકારે અંબાણીની કંપની પાસેથી રાફેલ વિમાન ખરીદવાનો સોદો કર્યો છે. તે કંપનીએ કયારેય વિમાન બનાવ્યું જ નથી.

રાહુલે કહયું હતું કે વિમાન બનાવવાનો કોન્ટ્રાકટ ૭૦ વર્ષનો અનુભવ ધરાવતી હિંદુસ્તાન એરોનોટીક લીમીટેડ પાસેથી લઇને મોદીએ એક ખાનગી કંપનીને આપી દીધો અને તેની જાણ પણ રક્ષા મંત્રાલયને ન થવા દીધી. પછી આ બાબતના કાગળો બનાવવાનું રક્ષા મંત્રાલયને કહેવાયું. આ સત્યનો ખુલાસો રક્ષા મંત્રી કરી જ નથી શકયા. તે વડા પ્રધાનને બચાવવા માટે ખોટા ઉપર ખોટુ બોલી રહયા છે.

તેમણે કહયું કે જેટલીએ પોતે સ્વીકાર્યુ છે કે માલ્યાએ તેને મળીને જણાવ્યું હતું કે તે દેશ છોડીને ઇંગ્લેન્ડ જઇ રહયો છે.

રાહુલે કહયું આમા એક માત્ર શકયતા છે કે નાણા પ્રધાને માલ્યાને કોઇ વસ્તુના બદલામાં વિદેશ જવાની પરવાનગી આપી દીધી. તેમની વચ્ચે એક સોદો થયો હતો. તેમણે કહયું કે નોટબંધી અને ખોટી રીતે જીએસટી લાગુ કરવાનો ઉદેશ પ્રજાના ખીસ્સા ખાલી કરીને કેટલાક અમીર ઉદ્યોગપતિઓની તીજોરી ભરવાનો હતો. સરકારે તે ઉદેશ પુરો કરી લીધો પણ પ્રજાને દગો કર્યો છે.

સભાને સંબોધીત કરતા તેમણે આક્ષેપ કર્યો કે મોદી આંધ્રપ્રદેશના વિભાજન સમયે  પ્રદેશ માટે કરેલા વાયદાઓ તોડીને આંધ્રપ્રદેશ વાસીઓનું અપમાન કરી રહયા છે.

(1:41 pm IST)